લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પંડિતયુગમાં નાટક વિશેનું વિચેચન ⬤ ૪૯
 

જડ વ્યવહારમાં જ પલોટાયેલાં અને રચ્યાંપચ્યાં રહેલાં ચિત્તોથી સિદ્ધ થવાનું નથી.'

આમ નૃસિંહ વિભાકર તત્કાલીન નાટકની સ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરે છે સાથે નવા સર્જનો – નાટક અને સાહિત્ય લખવા વિશે આહ્‌વાન આપે છે. રંગભૂમિ પર સાહિત્યિક ગુણવત્તા અને રંગભૂમિ ક્ષમતાના સુમેળના અભાવ પ્રત્યે સર્જકોનું ધ્યાન દોર્યું છે અને રંગભૂમિના અને નાટકના ઉત્કર્ષની જવાબદારી ઉપાડવાનું સાહિત્યકારોને ઉદ્‌બોધન કરે છે.

નૃસિંહવિભાકર એક લેખથી નાટક અને રંગભૂમિ તથા સાહિત્યની સમીક્ષા કરે છે જે ધ્યાન પાત્ર છે. તેમણે આરંભેલી અવેતન રંગભૂમિ પછીથી મુનશીચન્દ્રવદન વિકસાવે છે. નૃસિંહ વિભાકરે નાટક અને રંગભૂમિના સમન્વયના પ્રયત્નો કર્યા. આ સ્તબક જૂનીની સામે નવી રંગભૂમિ અને અવેતન રંગભૂમિના પ્રાગટ્યનો છે. ઘણા સારા નાટ્યકારો આ સ્તબકમાં થયા છે પણ નાટ્યવિવેચનની ભૂખ ભાંગતી નથી. આ યુગના સમર્થ અને પ્રખર વિવેચકોએ પણ નાટક વિશે બહુ ઓછી વાત કરી છે. મોટા ભાગનું નાટ્યવિવેચન સિદ્ધાંતલક્ષી કે કૃતિલક્ષી કે ગ્રંથાવલોકનોમાં જ સ્થિર થયું છે, ભજવાતાં નાટકનું વિવેચન હજી શોધ્યું જડતું નથી.

રામનારાયણ વિશ્વનાથ પાઠક (૧૮૮૭-૧૯૫૫)

રા. વિ. પાઠકે બહુધા ગ્રંથાવલોકન કર્યું છે. 'આલોચના', 'આકલન' અને 'સાહિત્યવિમર્શ' જેવાં વિવેચનનાં પુસ્તકોમાં તેમની નાટકને લગતી સમીક્ષાના લેખો મળે છે. તેમણે નાટકના સ્વરૂપ અને તેની હયાતી વિશે વિશદ ચર્ચા કરી છે. "અનેક વ્યક્તિઓ અને ઉક્તિઓ, અનેક ગીતો, બનાવો અને દૃશ્યો આદિના એક અત્યંત ઘન ગુંફિત સુશ્લિષ્ટ વણાટ જેવા નાટકના સ્વરૂપમાં તેમને શ્રદ્ધા છે. નાટકને કાવ્યના પ્રકારથી ભિન્ન માનવાનું તેમનું વલણ રહ્યું છે. જોકે તેમના એ મતને દઢાવવાના પ્રયત્નો પછી ભાગ્યે જ થયા છે. નાટકને અન્ય સાહિત્યસ્વરૂપો સાથે મૂકીને તેની વિશિષ્ટતા પ્રત્યે ધ્યાન દોરવાનું કામ તેમણે આ સમયના આરંભે કર્યું છે. સને ૧૯૨૯ના 'ગુજરાતી સાહિત્યનું દિગ્દર્શન' એ વક્તવ્યમાં એમણે કહ્યું છે : "આપણા જુવાન સાહસિક વર્ગનું ધ્યાન હું નાટકલેખન અને નાટ્યકલા બે તરફ ખેંચું છું. એ આપણે આજે કરીએ કે ન કરીએ પણ નાટકની શક્યતા ખોટી છે. વસ્તુને પ્રત્યક્ષ કરવાને તેના જેવું બીજું બળવાન સાધન નથી. લોકોને કેળવવા, તેની લાગણીઓ સમૃદ્ધ કરવાને, તેમને અન્યનાં ચિત્તો સમજતાં કરવાને, તેની ગ્રામ્યતા શુદ્ધ કરવાને, એક જ લાગણીનો અનેક હૃદયમાં જુવાળ લાવવાને, રંગભૂમિ જેવું બીજું સ્થાન નથી. નાટક લેખન અને નાટ્ય બંને કેળવાયેલાઓએ હાથ કરવાં જોઈએ. નાટકકાર જેટલો કોઈ સાહિત્યકાર પોતાના ભાવકો સાથે પ્રત્યક્ષ સંબંધ બાંધી શકતો નથી અને નાટક જેવું તરત યશ અને ધન આપનાર બીજું કોઈ સાહિત્યનું અંગ નથી."