પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 


નાટકનો મહિમા તેઓ સમજે છે સાથે તેનાથી તત્કાલ થતા લાભ વિશે પણ નવા સર્જકોને જાણ કરી પ્રોત્સાહિત કરે છે. નાટકની શક્તિ વિશે નવલરામની જેમ જ રા. વિ. પાઠક પણ સભાન છે. નાટકની અનેકવિધ શક્યતાઓને તેઓ જાણે છે. તે માત્ર 'દૃશ્યકાવ્ય' નથી એ પણ એ સમજ્યા છે. કાવ્ય અને નાટકના ભેદને, તેમનાથી થતી રસ ચર્વણાના ભેદને પણ તેમણે યથાર્થ ઓળખ્યો છે. દૃશ્યકાવ્ય પણ વાંચી શકાય છે પરંતુ યાદ રાખવું જોઈએ કે વાચનથી, રસ મેળવવાની દૃષ્ટિ જુદી છે. કેવળ વાચનથી હરકોઈ નાટક તખ્તા ઉપર કેવું લાગશે તે કહેવું મુશ્કેલ છે. તખ્તાલાયકી સમજવાને માટે ખાસ દૃષ્ટિ કેળવવાની જરૂર છે અને આપણાં નાટકની હાલની અધમ સ્થિતિમાં ઘણા ઓછા લેખકો અને વિવેચકોએ તે કેળવી હશે. નાટક સાથે તખ્તાલાયકીની દૃષ્ટિએ જ વિચાર થવો જોઈએ તેમ માને છે પરંતુ સાથે એ 'દૃષ્ટિ નથી કેળવાઈ' એવી મર્યાદાનો પણ સ્વીકાર કરે છે. નાટકની સમીક્ષામાં અભિનેતાનું મહત્ત્વ તેઓ સમજ્યા છે એટલુંય આપણે માટે પૂરતું છે. 'રાઈનો પર્વત’ વિશેની સમાલોચનામાં તેમણે એથી જ કહ્યું છે. રાઈનો પર્વત માત્ર વાંચવા માટે લખાયેલું છે કે ભજવવાનો હેતુ પણ તે સાથે છે ? એ પ્રશ્ન વિચારવા જેવો છે'. નાટકની ભજવણીની શક્યતાઓ તપાસવા વિશે આવો મત હોવા છતાં ન્હાનાલાલના નાટક 'વિશ્વગીતા' વિશેની સમીક્ષામાં એ 'ભજવાતું કલ્પવાનું', નાટક કહે છે ત્યારે આશ્ચર્ય થાય છે. ત્યારે એમ પણ થાય છે કે મંચ પરની ભજવણીને તેમણે જ નહીં લગભગ વિવેચકોએ વ્યાપક અને વાયવી અર્થમાં લીધી છે. બાકી મનની રંગભૂમિ પર ભજવાતાં નાટકોની વાત આવી શકે નહીં. નાટકની હયાતી રંગમંચ કે તખ્તા પર જ સિદ્ધ થઈ શકે. મનમાં તો બધું જ ભજવી શકાય ને ત્યાં નાટક નવલકથા કે કવિતાના કશા ભેદ ક્યાં હોય છે? છતાં તેમણે નાટકને તેના સ્વરૂપને સમજવાનો ઉમદા પ્રયત્ન અવશ્ય કર્યો છે.

જૂની રંગભૂમિ નષ્ટ પ્રાયઃ થઈ રહી હતી તેના વિશે કહે છે "નાટક કંપનીઓના માલિકો મુખ્યત્વે કમાણી માટે આ ધંધો ખેડતા હતા. તેમની ખેડમાં કોઈ આદર્શ નહોતો. વળી, સીનસિનેરીને વધારે મહત્ત્વ અપાયેલું હોવાથી નાટકનો ખેલ એટલો બધો ખર્ચાળ હતો કે કંપનીના માલિકો કોઈ અખતરો કરવાને તૈયાર નહોતા. તેથી એમનામાં તો એમની નજરે લોકોને ગમતા સીનો અને વિદૂષકનાં દૃશ્યોને વધારે તીખા તમતમતાં કરવાની સ્પર્ધા ચાલી જેને પરિણામે નાટક કલામાં ઊતરતું ગયું. હલકી વૃત્તિને ઉત્તેજનારું થયું અને ધીમે ધીમે સાહિત્યિક વર્ગ તેનાથી અળગો થતો ગયો.' નાટક રંગભૂમિ પરથી તો ગયું જ, સાહિત્યિક વર્ગ પણ તેનાથી દૂર થયો. નાટક સિદ્ધ કેમ થયું નહીં તેના વિશે પણ તેમણે નોંધપાત્ર વાત કરી છે. નાટક જેવું લોકાશ્રિત સાહિત્યસ્વરૂપ સફળ થવાને લેખકમાં લોકમાનસની-લોકરુચિની