લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પંડિતયુગમાં નાટક વિશેનું વિચેચન ⬤ ૫૧
 


પકડ હોવી જોઈએ. શેક્સપિયર, મોલિયેર, ઇબ્સન જેમણે નાટકમાં તેજસ્વી સફળતા મેળવી છે તે બધાએ નાટકકંપનીમાં કામ કરેલું હતું. અને મારું કહેવું એ છે કે આપણા લેખકોએ પણ એવી રીતે નાટકનો પરિચય મેળવવો જોઈએ અને સાથે ભવાઈનો પરિચય પણ કેળવવો જોઈએ, લગભગ લુપ્ત થઈ ગયેલા ભવાઈના ગુણ લક્ષણોના તેઓ પક્ષધર રહ્યા છે. ભવાઈની સાવ જ ઉપેક્ષા કરવી જરૂરી નહોતી તેવું માનનારા આ પહેલા વિવેચક છે. ભવાઈની મર્યાદાઓને તેમણે જાણી છે પણ સાથે તેના કલાત્મક અને લોકપ્રભાવક પાસાને વિશે સભાન છે. ભવાઈ જેવું ઉત્તમ લોકનાટ્ય તેના ભજવનારાઓની અશ્લીલ હરકતોને કારણે કે અશુદ્ધ ઉચ્ચારોને કારણે નષ્ટપ્રાય થઈ જાય તે ઓછા દુઃખની વાત નથી તેમ માને છે. ભવાઈનો અભ્યાસ થવો જોઈએ એટલું જ નહીં પહેલાની જેમ શક્ય બને તો તેને ફરી રમતી કરવાની ઇચ્છાય તેમણે વ્યક્ત કરી. "ભવાઈનો અભ્યાસ અનેક દૃષ્ટિએ થવો જોઈએ એમ હું માનું છું. એ એક અતિ લોકપ્રિય નાટક હતું. અભિનય અને વેશભૂષાની દૃષ્ટિએ એ અભ્યાસયોગ્ય છે. બહાર ચોગાનમાં સીનસિનેરી વિના ભજવી શકાય એવું એ સ્વરૂપથી જ છે. તેના ગદ્યનો લહેકો વિલક્ષણ હતો અને પકડવા જેવો છે. તેના ઢાળો એક દિવસ ઘણા લોકપ્રિય હતા અને ધંધાદારી તખ્તા ઉપર પણ તે લોકપ્રિય બન્યા છે." ૧૫

ભવાઈને પુનઃપ્રતિષ્ઠિત કરવાની આવશ્યકતા તેમણે જોઈ છે. કલાકારોને આથી જ ભવાઈનાં મહત્ત્વનાં તત્ત્વોગુણો ધ્યાનમાં લેવા સૂચવે છે. 'આપણે ધારીએ છીએ તે કરતા ભવાઈ જીવનમાં ઘણે ઊંડે સુધી વ્યાપી હતી અને લોકની એ રસિકતાનો કલાકારે લાભ લેવો જોઈએ.'૧૨ રામનારાયણ વિશ્વનાથ પાઠક આમ નાટક અને ભવાઈ વિશેની ચિંતા સાથે તેના મહિમાને સ્થાપી આપે છે. ગ્રંથાવલોકનોમાંય તેમના 'રાઈનો પર્વત', 'વિશ્વગીતા' અને 'કાકાની શશી' વિશેનાં અવલોકનો ધ્યાનપાત્ર છે. નાટકના વાઙ્‌મય સ્વરૂપને કેન્દ્રમાં રાખીને સમીક્ષાઓ કરી છે. ભજવણી કે તખ્તાલાયકીના મહત્ત્વને સમજતા હોવા છતાં 'અભિનય' હજી વિવેચ્યવિષય બનતો નથી.

ધનસુખલાલ મહેતા (૧૮૯૦-૧૯૭૪)

હાસ્ય લેખક જ્યોતીન્દ્ર દવે સાથે જોડાતું નામ છે ધનસુખલાલ મહેતા. તેમણે નાટક વિશે ત્રણેક પુસ્તકો આપ્યાં છે. 'નાટ્યવિવેક', 'નાટક ભજવતાં પહેલાં' અને 'બિનધંધાદારી રંગભૂમિનો ઇતિહાસ' આ ત્રણેય પુસ્તકોમાં તેમની અભ્યાસનિષ્ઠા ને તખ્તા સાથેના અનુબંધથી કેળવાયેલી નાટ્યતત્ત્વને પામવા - સમજાવવાની ક્ષમતાનો વિનિયોગ થયો છે. ધનસુખલાલ મહેતાએ પોતે રંગભૂમિ પર સક્રિય રીતે કામ કર્યું છે. તેમનો સંપર્ક રંગભૂમિનાં અનેક પરિમાણો સાથે રહ્યો છે. બિનધંધાદારી