તે દૃષ્ટિથી આ ‘છીએ તે જ ઠીક’ જોવું અને કસવું નિરર્થક છે. આ પ્રહસન લગભગ ફાર્સ છે એટલે એમાં માત્ર પોસ્ટરની પહેલી, દૃઢ રેખાઓ અને થોડા રંગ પૂરવામાં આવ્યા છે.’ કાસ્ટથી માંડીને સંપૂર્ણ પ્રસ્તુતિ વિશે તેમણે સૂચનો કર્યા છે. ‘વેતનીય રંગભૂમિ ઉપર પણ કેટલીય વાર નાટકની સફળતા કે નિષ્ફળતાનો આધાર તેને માટેના ‘કાસ્ટ'ની ચૂંટણીના અકસ્માત પર અવલંબેલ હોય છે. આ પ્રહસનને શુભ અકસ્માતથી સુંદર અને યોગ્ય કાસ્ટ મળી ગયો તે માટે સૌથી વધુ અભિનંદન તો એ અકસ્માતને જ આપવા ઘટે.૧૯ પ્રકાશ આયોજન વિશે કહે છે કે ‘પ્રકાશયોજનામાં નકામા નકામા અંધારાં લાવી ઓડિયન્સને ચીડવ્યું ન હતું. એ વાત એની સફળતા ગણાવી શકાય. સેટિંગ્ઝ (સંનિવેશ) માત્ર જિતેન્દ્રનું દીવાનખાનું જ આ નાટકમાં હતું અને તે યોગ્ય રીતે ગોઠવાયું હતું. ‘એન્ટ્રી’માં કોઈ વેળા પાત્રો ગૂંચવાતાં હતાં પણ એ ક્ષમ્ય ગણાય.૨૦ નાની ક્ષતિઓ જેમ કે ‘નાયક-નાયિકા તિલોત્તમાના ટેનિસના સ્ટ્રોક્સ શાસ્ત્રીય દૃષ્ટિએ ખોટા હતા, ટેનિસ નૃત્ય સાથે ગવાતા ગીતમાં ખાસ દમ નથી, આથી વધુ હાસ્યરસિક ગીત અને ટેનિસની રમત સમજાવતું ગીત યોજી શકાત. વિંગમાં ગવાતાં ગીતો વધુ સારી રીતે ગવડાવી શકાત. લગ્ન કરાવતી વેળાનો ગોરનો અભિનય ઘણે ઠેકાણે વધુ પડતો અને ફાર્સની હદ ઓળંગી જાય તેવો હતો. ગાયક મહેતાજીનું ધોતિયું જુએ છે એ પ્રસંગ જરૂર અશિષ્ટ ગણાય. ભવિષ્યના પ્રયોગોમાં તેના ઉપર સારો એવો કાપ મૂકવાની જરૂર છે. ભગવાનદાસ આરંભમાં સરસ સંભાળભરી અને કૌશલ્યવાળી રમત રમતા હતા પણ પોતે પકડાઈ જાય છે પછી મુખ ઉપર બતાવવી જોઈતી ભય, ચિંતા, આજીજી, દુઃખ વગેરેની ઊર્મિઓ બતાવી શક્યા નહીં એટલે એમણે સુધારે લેવું ઘટે, ઓડિયન્સને હસાવવા માટે નટ-નટીઓ જો વધુ ઇંતજારી રાખે તો અભિનયમાં અતિરેક થતો જાય છે એ પછી તે અભિનય અશિષ્ટતામાં સરી પડે છે. આ વસ્તુ ફાર્સમાં મોટામાં મોટું ભયસ્થાન છે.૨૧
ધનસુખલાલ મહેતા નાટકમાં યોગ્યતા ઔચિત્યની ફિકર કરે છે. ફર્સ પણ અશિષ્ટ ન બનવા જોઈએ તેનો આગ્રહ તેમણે રાખ્યો છે. અમદાવાદની અવેતન રંગભૂમિ વિશેની ચર્ચા ‘અવેતન અને રંગભૂમિ’ એ લેખમાં કરી છે. ‘અવેતન રંગભૂમિનો જ પ્રશ્ન લઈએ તો જણાશે કે મુંબઈના કરતાં અમદાવાદમાં એ વિષયમાં રસ લેનાર જુદાં જુદાં મંડળો વધુ કૉન્સેન્ટ્રેટ એફર્ટ કરી શકે છે. એ નિઃસંદેહ છે અને એથી કરીને જ અમદાવાદ પાસેથી અવેતન રંગભૂમિના વિકાસની આપણે વધુ આશા રાખી શકીએ’૨૨
અમદાવાદની અવેતન રંગભૂમિના પ્રયોગો વિશે પણ તેમણે ચર્ચા કરી છે. ‘થોડા માસ ઉપર અમદાવાદના રૂપક સંઘે ‘લોપામુદ્રા’ રંગમંચ ઉપર રજૂ કર્યું હતું.