લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગાંધીયુગમાં નાટક વિશેનું વિવેચન ⬤ ૫૭
 

અને ૧૭-૧-૧૯૪૭ને દિને ‘જયા જયન્ત’ ભજવી બતાવ્યું હતું. એ નાટકની તખ્તાલાયકી ઓછી છે એ વાત સ્વીકારી લઈએ છતાં એટલું તો કહેવું પડશે કે આ પ્રકારના પ્રયોગો અવેતન નટ-નટીઓ નહીં કરે તો બીજા કોણ કરે ?૨૩

ગુણવંતરાય આચાર્યના ‘અલ્લાબેલી’ના સંવાદો વિશે તેમણે કહ્યું છે ‘અમુક ઠેકાણે આવતા દીર્ઘસૂત્રી સંવાદો ઉપર જો ઠીક ઠીક કાતર લગાવવામાં આવે તો નાટક સારી રીતે સવા બે કલાકમાં પૂરું થઈ જાય અને એથી એની ઘટ્ટતામાં વધારો થાય. જેમ છે તેમ એના પ્રવાહમાં અમુક પ્રકારની શિથિલતા અનુભવાય છે.૨૪ સંવાદો પાત્રવરણીની સાથે સાથે જ સંનિવેશ-સેટિંઝ વિશે પણ સેટિંગ્ઝમાં રહેલી ખામીઓ વિશે નોંધે છે. ‘નાટકના સેટિંગ્ઝિનો મુખ્ય ગુણ તો એ હોવો જોઈએ કે એ જેટલા બને એટલા ઓછા ખૂણા રચે. આમ થાય તો પ્રકાશયોજના પાંગળી, હશે તોય ચાલશે. ‘અલ્લાબેલી’ના સેટિંગ્સમાં વધારે ખૂણા રાખવામાં આવ્યા હતા, પ્રકાશયોજના ખોટી ન હતી. દૃશ્યોનાં કમ્પોઝિશન’ સારાં હતાં પણ જુદા જુદા ‘પ્લેઇન્સ’ (સપાટી)નું આકર્ષણ દિગ્દર્શકને કાંઈક વધુ પડતું લાગ્યું જણાય છે, એને પરિણામે બીજા અંકમાં દેવોભા બાજઠની બેઠક ઉપર ચડીને આંટા મારતો બતાવવામાં આવ્યો છે. જેવી રીતે પાશ્ચાત્ય લોકોમાં કોચ, ખુરશી તેવા આપણે ત્યાં આવા બાજઠો ‘પ્લેઇન્સ’ વધારવા માટે કોઈ પાત્ર કોચ, ખુરશી ઉપર ઊભો થઈ જાય એવું જોયું કે ‘સાંભળ્યું’ નથી.૨૫

માત્ર સેટિંઝ જ નહીં સંગીત વિશે પણ તેમણે કડક સૂચના આપી છે. ‘સંગીત વિશે કાંઈક કડવું થવું પડશે એથી ખેદ થાય છે. વીસ-પચ્ચીસ વર્ષ પહેલાં જે બેરાગી, બેસરા અને બેતાલા સંગીતની લ્હાણ પીરસવામાં આવતી હતી તે પ્રકારની લ્હાણ અત્યારે લોકનાટ્ય સંઘ તરફથી ભજવાતા ‘અલ્લા બેલી’માં રજૂ થાય એ ખરેખર અતિશય દિલગીર થવા જેવું છે... આવા જ પ્રકારનું સંગીત – પછી ભલે તે લોકગીતોના ઓઠા હેઠળ હોય - જાહેરમાં રજૂ કરવામાં આવે તો પરપ્રાંતવાસીઓ ગુજરાતીઓને એમના સંગીતજ્ઞાન માટે તિરસ્કારે એમાં નવાઈ નહીં.’ અંતમાં ‘નિંદા જનેતા સ્કૂર્તિની આશિષ શિથિલતા આણતીએ ઉક્તિ અનુસાર આ પ્રયોગની કાંઈક કડક ધોરણે સમીક્ષા કરી છે. અવેતન રંગભૂમિનો દિનપ્રતિદિન વિકાસ સધાય અને તેમ કરતાં સવેતન રંગભૂમિમાં પણ નવા પ્રાણનો સંચાર થાય એ ઉદ્દેશથી જ સમીક્ષા કરવામાં આવે છે એ વાત લોકનાટ્ય સંઘના સંચાલકો નહીં ભૂલે અને જુદાં જુદાં પ્રકારનાં નાટકો થોડે થોડે અંતરે રજૂ કર્યા કરે એ આશા વ્યક્ત કરું છું.’૨૬

આમ નાટકના હિતમાં યથાયોગ્ય લાગે તેવી સમીક્ષા તેમણે કરી છે. ‘પારકી જણી’ના દિગ્દર્શક શ્રી ચંદ્રવદન ભટ્ટને સેટિંગ્સ કે પાત્રોની એન્ટ્રી બાબતે સૂચના આપી છે. ‘રંગમંચ ઉપર ઘરમાંથી પાત્રોની થતી એન્ટ્રી જમણી બાજુએથી (પાત્રોની)