નાટકનાં રૂપાંતરો થવાં જોઈએ એમ માનતા હોવા છતાં આપણા દેશકાળને અનુરૂપ તેનો વિષય હોવો જ જોઈએ તેમ ધનસુખલાલ મહેતા માને છે. આથી જ જે બી પ્રીસ્ટલીના એક નાટકના ભૂખણવાળાએ કરેલા રૂપાંતર રજનું ગજ વિશે લખે છે. ‘ નાટક કેવળ નવા પ્રકારનું છે, એની કોઈથી ના પાડી શકાય એમ નથી, અને આવાં નાટકોનાં રૂપાંતરો આપણા રંગમંચ પર ભજવાય તો જ આપણે ત્યાં પણ ઉચ્ચ કક્ષાનાં મૌલિક નાટકો રચાવા માંડે તે પણ નિર્વિવાદ જ છે. છતાં આ નાટકમાં સ્પર્શાવેલ સમ-જાતિ સંબંધ વગેરે એકાદ બે મુદ્દા આપણે ત્યાં આવા સ્વરૂપે નથી, એ ધ્યાનમાં લેતા આવા નાટકોની પસંદગી કરવાને બદલે પાશ્ચાત્ય નાટકોની અખૂટ ખાણમાંથી બીજા રત્ન શોધ્યા હોત, તો ખોટું નહોતુ.૩૧
મૌલિક અને રૂપાંતરોમાંય ઉત્તમ નાટકોનો અભાવ ‘નાટક ભજવતા પહેલાં’ એ પુસ્તકની પ્રસ્તાવનામાં પણ તેમણે વ્યક્ત કર્યો છે. ‘નાટક ભજવતા પહેલાં’ એ નાટ્ય તાલીમને લગતું પુસ્તક છે. નાટક ભજવતા પૂર્વે સામાન્યમાંથી કલાકાર−અભિનેતા થવા માટેનું માર્ગદર્શન આ પુસ્તકમાંથી મળે છે. અલબત્ત, લેખકના મતે આ પુસ્તક પૂરેપૂરું મૌલિક નથી. કેટલાંક પ્રકરણો પશ્ચિમના નાટ્ય તાલીમનાં પુસ્તકોમાંથી અનુવાદ કરીને મૂક્યાં છે. છતાંય આ પુસ્તક નાટકના ક્ષેત્રમાં આગળ વધવા તત્પર હોય તેવા અભિનેતાઓ માટે પાઠ્યપુસ્તકની ગરજ સારે તેવું છે.
અહીં ૧૭ પ્રકરણોમાં નાટક પૂર્વેની તાલીમની તૈયારી કઈ રીતે કરશો તે રસપ્રદ શૈલીમાં કહેવાયું છે. નિર્માતા – દિગ્દર્શકનો પરિચય, નાટકની પસંદગી, રંગમંચના પ્રકારો કેવા, નાટકો ભજવવાં જોઈએ તેનાં રિહર્સલ અને તેની વિવિધ ટેકનિકલ વિગતોની ઝીણી ઝીણી માહિતીનું દૃષ્ટાંત સાથે માર્ગદર્શન કરે છે. ‘નાટક ભજવતા પહેલા’ – નાટકની તાલીમને લક્ષમાં રાખીને લખાયું છે. આ પુસ્તકમાં જાતઅનુભવમાંથી તારવેલા અને વિદ્વાન વિચારકોના મતોનું સંકલન કરીને તેમણે એક સાચી દિશાનું માર્ગદર્શન પૂરું પાડ્યું છે. આ પ્રકારના રંગમંચનું સાચું અને વ્યવહારું જ્ઞાન આપનારાં પુસ્તકોનો આપણે ત્યાં અભાવ હતો. ‘નાટક ભજવતાં પહેલાં’થી એ અભાવની પૂર્તિ થતી અનુભવાય છે. ધનસુખલાલ મહેતાએ રંગભૂમિ સાથે સક્રિય રહીને કામ કર્યું હોવાથી નાટકનાં – ‘રંગભૂમિનાં સમગ્ર પાસાંઓને આવરી લઈ શક્યા છે. ‘નિર્માતા-દિગ્દર્શક', ‘રંગમંચના પ્રકાર', અભિનેતાનું આંતરબાહ્ય વ્યક્તિત્વ, નાટકની પસંદગી, કેટલાક દોષો આદિ વિશે વિગતે માર્ગદર્શન કર્યું છે. નિર્માતા દિગ્દર્શક એ લેખમાં નિર્માતા અને દિગ્દર્શકની લાક્ષણિકતા વિશે ચર્ચા કરી છે : ‘સાચો દિગ્દર્શક તો લગભગ સર્જક છે અને એ રીતે કલાકાર છે. એટલે જ એનામાં સર્જન કરવા જેટલી શક્તિ નહીં હોય, તેટલી કલ્પના નહીં હોય તો એ કશું જ નહીં કરી શકે૩૨ ‘રંગમંચ’ એ પ્રકરણમાં ગોળ રંગમંચનો