પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગાંધીયુગમાં નાટક વિશેનું વિવેચન૬૧
 

પરાકાષ્ઠા આવે ત્યાં સુધી ક્રિયાને ટકાવી રાખવાની સતત શક્તિ જોઈએ. સુખાંત કરતાં આવાં નાટકોમાં વસ્તુ વધારે સ્પષ્ટ હોય છે. એટલે એક નજરે જોતાં એ જરા સહેલાં લાગે ખરાં પણ એમાં રજૂઆત, વાતાવરણ, પ્રકાશયોજના વગેરે વધારે ચોક્કસ જોઈએ અને એમાં જરા પણ ક્ષતિ આવતાં નાટકો હાસ્યાસ્પદ થઈ જવાનો ભય રહેલો છે. રંગદર્શી નાટકો ભજવવાં ઘણાં સહેલાં છે પણ આવાં નાટકો મળવાં મુશ્કેલ તો ફાર્સ ભજવવા ઘણાં સહેલાં છે. કારણ કે એમાં મુખ્ય મહત્ત્વ પ્રસંગને હોય છે. વાસ્તવિક નાટકો સૌથી સરળ રીતે ભજવી શકાય તેવાં હોય છે. આટલા વર્ગીકરણ પછી તેમણે સાહિત્યિક રીતે ઉત્તમ નાટકોની વાત કરી છે. કેટલાંક નાટકો વાંચવામાં ઘણાં સારાં લાગે છે જ્યારે રંગમંચ પર એમનું પોત ફિસ્સું લાગી જાય છે, એટલે નાટકની પસંદગી કરનાર વ્યક્તિમાં તે નાટક વાંચતી વેળા તે રંગમંચ પર કેવી રીતે ભજવાશે, તેનાં દૃશ્યો કેવી રીતે યોજાશે, તેના સંવાદો કેવી રીતે બોલાશે વગેરે બધું મનથી જાણી લેવાની શક્તિ હોવી જ જોઈએ.

આમ કેવા નાટકો ભજવવાં એ પ્રકરણ રસપ્રદ છે. એ પછીના ‘અભિનયકાર'નું વ્યક્તિત્વ, પ્રકરણમાં કલાકારે પોતાનું વ્યક્તિત્વ ભજવવાનું એને પોતાનું વ્યક્તિત્વ ઘડવા માટે પુરુષાર્થ કરવો જોઈએ એમ તેમનું માનવું છે. અદાકારના માનસ વિશેની ચર્ચામાં તેમણે કહ્યું છે કે 'અદાકારે પાત્રમાં વિલીન તો થઈ જવું જોઈએ પણ એટલી હદ સુધી નહીં કે જેથી આપણે અભિનય કરવામાં આપણી જાત પરનો કાબૂ ખોઈ નાખીએ.;૩૭ 'અભિનયકલા’ એ પ્રકરણમાં 'ડેઈમ ઈરિન વાનબર્ગે'ના પુસ્તકમાંથી મહત્ત્વનો ભાગ ઉદ્ધરિત કર્યો છે. અભિનેતાનું કર્તવ્ય મંચ પર એ પૂર્વે શું છે તેની ઉદાહરણ સાથે તેમણે ચર્ચા કરી છે.

અગિયારમા પ્રકરણમાં 'રીચર્ડ બાલ્સ લેવસ્કી'ના ‘એક્ટિંગ : ફર્સ્ટ સિક્સ લેસન્સ'નો અનુવાદ ‘અભિનય કલાના પહેલા છ પાઠ’ નામે કર્યો છે. આ પ્રકરણમાં કલાકારે અવશ્ય ધ્યાનમાં રાખવી જ પડે તેવી બાબતોની ઝીણી ચર્ચા સંવાદોરૂપે રજૂ થઈ છે. બારમું પ્રકરણ રિહર્સલ પૂર્વેની તૈયારી વિશેનું છે. તેરમા પ્રકરણમાં રિહર્સલની શરૂઆત પછી વિશેષ રિહર્સલ, પ્રેસ રિહર્સલ સુધીના બધા જ મુદ્દાઓને આવરી લીધા છે.

નાટક ભજવતાં પહેલાં એ ધનસુખલાલ મહેતાનું નાટ્યતાલીમ અને સિદ્ધાંત પક્ષનું જ નહીં પરંતુ રંગભૂમિની વિવિધ કરામતો વિશેની સમજ આપતું પુસ્તક છે. ધનસુખલાલ મહેતા નાટ્યવિવેચન સાથે સિદ્ધાંતચર્ચા પણ કરે છે. તેમના સિદ્ધાંતો રંગમંચ સાથે વધારે ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે. ધનસુખલાલ મહેતા આ ઉપરાંત 'સર્જનને આરે'માં બે લેખ નાટક વિશેના કરે છે.