પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગાંધીયુગમાં નાટક વિશેનું વિવેચન૬૩
 


કરી છે. જ્યોતીન્દ્ર દવે નાટકના આ મહત્ત્વને અહીં વ્યક્ત કરે છે. ભારતનું સર્વ વિવેચન નાટ્યના પ્રયોગને ઉદ્દેશીને છે કાવ્યને નહીં, કાવ્યનું મહત્ત્વ એ જાણે છે. પણ રંગભૂમિ પર નાટકનો પ્રયોગ કરવામાં આવે ત્યારે તો વધુ મહત્ત્વ અભિનયનું જ હોવું ઘટે એવો એનો (ભરતનો) અભિપ્રાય છે.” ૪૦ ભરતે નાટકમાં સ્ત્રીની સહાય લેવાની વાત કરી છે. સ્ત્રી વિશે ભરતના ઉદ્દગાર પ્રશંસાથી ભરેલા છે, તેની ચર્ચા કરી છે. અભિનય વિશે ભરતે બહુ વિસ્તારથી વિવેચન કર્યું છે તેમાંય આંગિક, વાચિક, આહાર્ય, સાત્ત્વિક આ ચાર પ્રકારના અભિનયની ચર્ચા કર્યા પછી લોકધર્મી, નાટ્યધર્મી જેવા ભાગ પાડી અંગ્રેજીમાં જેને 'મેક બિલીવ’ કહે છે તેવો પ્રકાર વર્ણવ્યો છે.૪૧ આપણે ત્યાં નાટકો ગ્રીક ટ્રેજેડી જેવાં કેમ નથી થયાં તેનું કારણ આપે છે. અત્યારના વાસ્તવવાદની કલ્પના તે કાળે નહોતી. કર્મ ને કર્મફળ વિશે દૃઢ શ્રદ્ધા રાખી ધીરજથી કર્મનો પરિપાક સહન કરવો એ આદર્શ સૌનો પ્રેરક હતો એમ સંસ્કૃત નાટકમાં દુઃખ, યાતના, વિરહ આદિ આવે છે. પણ અંતે તો સુખ ને સમાધાન જ થાય છે. સંઘર્ષ (Conflict) આંતર તેમજ બાહ્યની કલ્પના તેમને હતી. પરંતુ આર્ય-કલ્પના અને ગ્રીક-કલ્પના વચ્ચે બહુ મોટો તાત્ત્વિક ભેદ છે. અસત્ અને સત્‌ના સંઘર્ષમાં અંતે સત્યનો જ જય થાય છે એવી દૃઢ આર્યશ્રદ્ધા અને નિયતિ (Dastiny) આગળ માનવ પાંગળો છે એવી ગ્રીક માન્યતા વચ્ચેનો ફેર છે. કર્મ અને કર્મફળ, નિયતિ અને માનવ- પુરુષાર્થ એ બે વચ્ચે અભેદ છે એવી આર્ય કલ્પના છે. એક બાજુ માનવી ને બીજી બાજુ નિર્દય-નિસર્ગ ને ક્રૂર નિયતિ એવું જીવનસંઘર્ષનું સ્વરૂપ ગ્રીકે કહ્યું છે. સદ્‌ગુણ શીલનો જ અંતે જય છે. એવા પરિણામમાં દૃઢ શ્રદ્ધામૂલક દૃષ્ટિથી જીવન સંઘર્ષ આર્યોએ નીરખ્યો હતો. સમન્વય સર્વ વિરોધી વસ્તુઓનો, વેદનાં વચનોથી માંડીને તે મનુષ્યનાં કાર્યો સુધીનો સમન્વય એ આર્ય વ્યવહારનું સૂત્ર છે એથી ગ્રીસના જેવી ટ્રેજેડી અહીં ન લખાઈ.”૪૨ યથાર્થ કારણ જ્યોતીન્દ્ર દવે આપે છે.

અંકની ચર્ચામાં વિષ્કંભક અને પ્રવેશકનું સામ્ય પશ્ચિમની પ્રવેશયોજના સાથે જુએ છે. ત્રણ યુનિટી સંબંધે ભરત મુનિના વિચારોને તારવી આપે છે. 'કાલૈકતા, સ્થાનૈકતા તથા કાર્યૈતા સંબંધી ભરત મુનિએ કહ્યું છે કે પ્રત્યેક અંકમાં એક જ દિવસનું કાર્ય હોવું જોઈએ એ કાર્યબિંદુ કે બીજાને જોડીને થવું ન જોઈએ. કોઈક બુદ્ધિમાન નાટકકાર એક જ અંકમાં ઘણી વાતો સમાવે છે. પણ તે અનેક કાર્યોમાંનું કોઈ પણ આવશ્યક કાર્યનો અવરોધ કરનારું ન હોવું જોઈએ. અંકના અંતમાં રંગભૂમિ પર આવેલાં બધાં પાત્રો જતાં રહેવાં જોઈએ. ક્ષણ, મુહૂર્ત, યામ એમ દિવસના વિભાગો અનુસાર અંકમાં જ પૂરું થઈ શકતું ન હોય તો અંકનો છેદ કરીને પ્રવેશકમાં એ કાર્ય પૂરું કરાવવું. વર્ષનું ભેગું થયેલું કાર્ય તેમ જ કાર્યવસાત્