લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગાંધીયુગમાં નાટક વિશેનું વિવેચન૬૫
 

છતાંય એનો અર્થ એ નથી કે નાટકો લોકોની સ્થૂળ વાસનાઓને ઉદ્દીપ્ત કરનારાં હોવાં જોઈએ. જ્યોતીન્દ્ર દવે આ લેખમાં નટ અને સામાન્ય સામાજિકની રુચિને વિવિધ બાજુએથી સમજવાનો પ્રયત્ન કરે છે. એ સ્પષ્ટ માને છે કે 'અધમ કૃતિઓના બચાવમાં લોકરુચિને આગળ કરવી એ તદ્દન ખોટું છે. કલા માત્રનો ધર્મ રુચિને કેવળ ઉદ્દીપ્ત કરવાનો નથી, પરંતુ સંસ્કારી બનાવવાનો પણ છે.'૪૭ તેઓ એમ પણ માને છે કે કલામાત્ર – કલાકૃતિનો આસ્વાદ તૃપ્તિ કે શાંતિ આપે છે. 'હલકા ભાવોને આલેખનારી કૃતિ નથી આપી શકતી તૃપ્તિ કે નથી આપી શકતી શાંતિ. એ તો ઉશ્કેરાટ જ ઉત્પન્ન કરે છે.' ૪૮ સારાં-નઠારાં નાટકોની સારી ખોટી અસરો લોકરુચિ પર પડે છે એમ માને છે સાથે એમ પણ માને છે કે જેમ સારાં નાટકોથી માણસ તરત જ સુધરી જતો નથી તેમ જ નઠારાં નાટકોથી પણ કંઈ માણસ તરત જ બગડી જશે નહીં. નાટકથી મળતા આનંદ વિશે ઉચ્ચ ને ઉદાત્ત વસ્તુ પ્રત્યે પ્રત્યેક મનુષ્યના મનમાં આદર ને પ્રેમની લાગણી હોય છે. એવા પ્રકારના ભાવો સામાજિકના હૃદયમાં જાગૃત થાય છે ને એ ભાવના સંચલનને લીધે જે રસાસ્વાદ એમને મળે છે તે બ્રહ્માનંદ સહોદર હોય છે. કલામાત્રનો ધર્મ આનંદ આપવાનો હોય છે. અને એ આનંદ અમિશ્ર અને ઊંચામાં ઊંચો હોવો જોઈએ. ઉચ્ચ વૃત્તિઓને જાગૃત કર્યા વિના ઉચ્ચ પ્રકારનો આનંદ ક્યાંથી આવે ?' લોકરુચિ અને નાટક વિશે વાત કરતાં તેમણે કલાના હાર્દને પણ ખોલી આપ્યું છે. લોકરુચિથી નાટક તરી જાય ને ડૂબી પણ શકે એમ માને છે.૪૯

નાટકમાં સંગીત વિશે વાત કરતાં કહે છે કે 'નાટકમાં સંગીતને સ્થાન હોઈ શકે એમ કહેવું એ વાજબી છે. પરંતુ નાટકમાં સંગીતને સ્થાન હોવું જોઈએ, એમ ‘જોઈએ’ પર ભાર મૂકીને કહેવું એ બરાબર નથી. નાટકનાં લખાણ ઉપરાંત નાટકને માટે અત્યંત આવશ્યક એવી કલા તે માત્ર અભિનયકલા છે. એના વિના નાટકનો પ્રયોગ થઈ જ ન શકે. બાકી બીજું બધું બાહ્ય ઉપાધિ રૂપે છે.'૫૦ જૂની રંગભૂમિના પરિપ્રેક્ષ્યમાં કેટલાંક ઉદાહરણો આપી ગાયન કે સંગીતનું નાટકમાં અનૌચિત્ય સિદ્ધ કર્યું છે. અલબત્ત, સંગીત નાટ્યને ઉપકારક થતું હોય તો એને સ્થાન આપવું ઇષ્ટ છે. પણ જો એ અંતરાયરૂપ બનતું હોય તો એને ત્યાંથી ખસેડવું જોઈએ એમ માને છે. નાટકમાં શિષ્ટ-અશિષ્ટ વિશેની ચર્ચા પછીના લેખમાં કરતાં તાત્ત્વિક ચર્ચા છેડી છે. વાસ્તવિક જગત અને કલાજગત વચ્ચેનો ભેદ વ્યક્ત કરી નાટકમાં શું શિષ્ટ અને શું અશિષ્ટ છે તેને વિશે સમીક્ષા કરી છે. વ્યવહારમાં કે સંસારનાં જે નિત્યકર્મો છે તેને તેવાં ને તેવાં મંચ પર પ્રગટ ન કરી શકાય. નાટ્યશાસ્ત્રમાં પણ કેટલીક ક્રિયાઓને મંચ પર લાવવી વર્જ્ય ગણી છે. વાંચતાં જે અશિષ્ટ ન લાગે તે મંચ પર ભજવાતું જોતાં અશિષ્ટ લાગે છે. શ્રાવ્ય કરતાં દૃશ્યની અસર મન