પર વધારે થાય છે. સંસારના વ્યવહારમાં જે ચાલી શકે તેટલા સુષ્ટિમાં અને ખાસ તો નાટ્યપ્રયોગમાં ન જ ચાલી શકે.'૫૧ નાટકનાં વિવિધ તત્ત્વોની ચર્ચા તેમણે કરી છે. નાટકના સ્વરૂપ અને અભિનયકળા વિશે ધ્યાનપાત્ર નોંધ કરી છે. નાટ્યસૃષ્ટિના સત્ય અને વ્યવહારના સત્ય વિશે તાત્ત્વિક ચર્ચા કરી છે. 'આજનાં આપણાં નાટકો'માં તેમના સમયનાં નાટકો વિશેની સમીક્ષા છે. 'આજનાં આપણાં નાટકો'માં જે 'આપણાં' છે તે નાટકો નથી અને જે નાટકો છે તે આપણાં નથી' પર મૌલિક નાટકોની ચિંતા આ વ્યાખ્યાનમાં તેમણે કરી છે. આપણે ત્યાં મૌલિક નાટકો લખાયાં પણ ભજવી શકાય તેવાં બહુ જ ઓછાં, એનું એક કારણ 'નાટક ભજવવા માટે છે. કેવળ વાંચવા માટે નથી એવો ખ્યાલ શિષ્ટ નાટ્યકારોએ રાખ્યો નથી.' જૂનાં નાટકો ગીત પર આધારિત હતાં પણ પ્રકાશિત નહીં હોવાને કારણે લોકસ્મૃતિમાં જ સ્થિર રહ્યાં છે. પશ્ચિમનાં નાટકો ઉત્તમ કોટિનાં છે તેવાં આપણે ત્યાં નથી. ત્યાંનાં નાટકોનાં રૂપાંતરો પણ સફળ થાય છે ને આપણાં મૌલિક નાટકો ભજવાતાં નબળાં નીવડે છે. જ્યોતીન્દ્ર દવે નવી રંગભૂમિના ઉદયકાળમાં ભજવાતાં મૌલિક નાટકો વિશે ચિંતા કરે છે. 'કાકાની શશી', 'આગગાડી', 'સુમંગલા' જેવાં અવેતન રંગભૂમિનાં નાટકો લાંબું ચાલ્યાં નહીં તેની પાછળ નાટક ભજવનારા પાસે વ્યવસાયી દૃષ્ટિ નહીં હોવા કારણે આમ બન્યું એમ માને છે. માત્ર એટલું જ નહીં નાટક લખનારા પાસે 'નાટકનો કસબ આવી ગયો છે પણ કલા નથી આવી.' નાટ્યકારોની એક મર્યાદા પછી બીજી જે કાયમ પ્રસ્તુત રહી છે તે પશ્ચિમનું અનુકરણ.
'આજનાં આપણાં નાટકોમાં આપણે પશ્ચિમની ટેક્નિક અજમાવીએ છીએ તેમાં કંઈ ખોટું નથી. પરંતુ નાટકનો જે પ્રાણ છે તે ફરવો જોઈએ નહીં. નાટકનું રૂપાંતર કરીએ પણ આપણા તળ વાતાવરણને સર્વથા અનુરૂપ રૂપાંતર ન થાય તો નાટક કૃત્રિમ બની જાય છે. આપણી રંગભૂમિ પર ભજવાતા નાટકમાં ગુજરાતની ભૂમિનું જ જીવન પ્રતિબિંબિત થવું જોઈએ.'૫૩ એમ કહીને નવલરામે કરેલા 'મોક ડૉક્ટર'ના રૂપાંતર 'ભટ્ટનું ભોપાળું'નો દાખલો આપ્યો છે. નાટકનું રૂપાંતર કરવામાં વાંધો નથી પણ તેનું તળની સાથે અનુસંધાન થવું આવશ્યક ગણે છે.
જ્યોતીન્દ્ર દવે નાટ્યવિવેચનમાં નાટ્યતત્ત્વની સમીક્ષા કરે છે. નાટક સાથે જોડાયેલા નાટ્યકારો, કલાકારો કસબીઓની પ્રતિબદ્ધતા વ્યવસાયી રંગભૂમિના કલાકારોની પ્રતિબદ્ધતા કરતાં ઓછી નિષ્ઠાની ચિંતા પણ કરે છે. નાટ્યકારોનો અભિગમ ઉચ્ચ ગુણવત્તા અને લોકપ્રિયતા હોવો જોઈએ તે નથી જણાતો તેનીય ફિકર તેના વ્યાખ્યાનમાં વ્યક્ત કરે છે. નાટકના સ્વરૂપ અંગેની ચર્ચા કરતાં કરતાં તેના સંવાદ, વાચિક, આહાર્યાદિ અભિનયની મનનીય સમીક્ષા કરે છે. જૂની રંગભૂમિ પર જે ભાવાનુવાદ અગત્યના છે તેને બાજુ પર મૂકી વિભાવને મુખ્ય બનાવાતો