સ્પષ્ટ કરે છે. અહીં સ્વાગત અતિરંજન, નાટકમાં કલ્પના, વાક્છટા-સંવાદ, સંઘર્ષ અને કાર્ય, રંગસૂચના આટલી વાતોને સમજવા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.
'નાટક વિશે' આ પુસ્તકમાં અવલોકન અને ગ્રંથસમીક્ષા ને પુસ્તકની પ્રસ્તાવના આદિ છે. જોકે નાટકના ક્ષેત્રમાં નવી પધારેલી વિભાવના અને રીતિને તપાસવાનો અને નવોદિતો સામે લાલબત્તી ધરવાનું વિવેચક કર્મ પણ તેમણે કર્યું છે, 'એબ્સર્ડ'ની ચિંતા કરીને. 'રે મઠના' કવિઓએ લખેલા નાટકો 'મેક બિલિવ', 'ડાયલનાં પંખી' કે 'એક ઉંદર ને જદુનાથ'ની ઍબ્સર્ડીટિ વિશે તેમની ચર્ચા અવધાન પાત્ર રહી છે. જયંતિ દલાલ માને છે કે 'ઍબ્સર્ડની સંવેદના ભારતીય કે ગુજરાતી નથી, ને ઍબ્સર્ડરીતિ કે વિચારને નાટકમાં પ્રગટ કરવો એ એક સાહસ છે. ગુજરાતી સાહિત્યમાં કે રંગભૂમિ પર સાચું નાટક શોધવાની આવશ્યકતા હોય ત્યારે તેવા સમયમાં આવાં ઍબ્સર્ડ હવાતિયાં સમર્થ સર્જકોએ નહીં મારવાં જોઈએ. તેમની આ સલાહને જો 'રે મઠ'ના સંતોએ અને અન્ય ભક્તોએ માની હોત તો ગુજરાતી નાટકનાં અમૂલ્ય વરસો બગડતાં બચી ગયાં હોત. ઍબ્સર્ડને સમજ્યા વિના જ કલમઘસુઓએ ગુજરાતી નાટકની જે અવદશા કરી છે તેના વિશે તો એક જુદો જ અભ્યાસ કરવો પડે.
ગ્રંથાવલોકનમાં 'રામ વિયોગ' ડાહ્યાભાઈ ધોળશાજીનું નાટક, ઉમાશંકર જોષીનાં નાટકો, રાઈનો પર્વત, પરિત્રાણ, યુગે યુગે, વરુ જોડે એક રાત, સપ્તરંગ, આરતી, જગતના કાચના યંત્રે, અંડેરી ગંડેરી ટીપરીટેન જેવી કૃતિઓની સમીક્ષા સમધારણ પદ્ધતિએ કરી છે. 'રાઈનો પર્વત' નાટકમાં તત્કાલીન તખ્તાના રંગ વિશે તેમનું દર્શન યથાર્થ છે. રાઈનો પર્વત વિશે લગભગ બધા જ વિવેચકોએ સમીક્ષા કરી છે. કોઈને રાઈની દોલાચલ ચિત્તવૃત્તિમાં હેમ્લેટના અંશો દેખાયા છે. કોઈકે સમાજસુધારો ધ્યાનમાં લીધો છે. જયંતિ દલાલ બહુ વિશિષ્ટ રીતે રાઈનો પર્વતમાં તત્કાલીન રંગભૂમિનાં ભજવાતાં નાટકોની રીતને રાઈનો પર્વતની સંકલનામાં જુએ છે. જેમ પદ્યને કારણે સંસ્કૃત સાથેનું અનુસંધાન કરે છે તેમ જ ગીત કે ગાનને કારણે એ રંગભૂમિનું અનુસંધાન કરે છે. 'સ્વગતનો વિનિયોગ છે તેને કારણે પણ તેનો તત્કાલીન રંગભૂમિ સાથેનો સંબંધ જ વ્યક્ત થાય છે.' 'રાઈનો પર્વત'માં સ્વગતનો જ ઉપયોગ થયો છે તે શુદ્ધ શેક્સપિયરની ઢબનો નથી, પણ ગુજરાતી તખ્તા પર રૂઢ બનેલા આપઉકલતે આવડેલા ઉપયોગની ઢબનો છે.'૬૫ રાઈનો પર્વતમાંથી દૃષ્ટાંત આપીને એ વાત સિદ્ધ કરે છે કે રાઈનો પર્વત 'બહુધા' ગુજરાતી રંગભૂમિનું નાટક છે. છતાં રંગભૂમિ પર સફળ થયું નથી એનું કારણ 'ફોક્સનો અભાવ, અંતભાગની વિશૃંખલતા અને ડિક્શનની મુશ્કેલીને ગણાવી શકાય. 'લાખ જીવ એક મુસીબતમાં' ઍબ્સર્ડની સમીક્ષા કરી છે. તેઓ સ્પષ્ટતયા માને છે કે