લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 

સમીક્ષા કરી છે. એકાંકીના સ્વરૂપ વિશે વિસ્તારપૂર્વકની તલસ્પર્શી ચર્ચા એ લેખમાં છે. એકાંકીનો આરંભ, દીર્ઘનાટકો સાથે ટકવાની એકાંકીની ક્ષમતા-શક્યતા આદિ વિશે અભ્યાસપૂર્ણ લેખ છે. એકાંકીનું સંસ્કૃત લઘુકૃતિઓ લઘુનાટ્ય પ્રકારો સાથે સાદૃશ્ય જુએ છે. પણ નવા સંદર્ભમાં એને સંસ્કૃત લઘુનાટ્ય પ્રકારોને એકાંકી માની લેવાના મતના નથી. 'આજના અર્થમાં એકાંકી માની લેવાં એ વધારે પડતું લેખાશે’ એમ માને છે. એકાંકી અન્ય નાટ્ય પ્રકારોથી ભિન્ન છે. એની ભિન્નતા એના આસ્વાદ અને અભિવ્યક્તિ રજૂઆત સંદર્ભે નક્કી થાય છે. 'એકાંકી એ એવી કૃતિ છે જે પ્રેક્ષકોએ આખીય એકબેઠકે એકીસાથે ગ્રહણ કરવાની હોય છે. રંગભૂમિની દૃષ્ટિએ પણ એકાંકી આખી જ એકીસાથે આસ્વાદાતી કૃતિ છે.' એકાંકીની અનેક શક્યતાઓ મોટાં નાટકો સાથેની આંતરિક સમાનતા સાથે જ વિશિષ્ટ લાગતી ભિન્નતા, એકાંકીના વિવિધ પ્રશ્નો, મર્યાદાઓ આદિની વિસ્તૃત સમીક્ષા કરે છે. એકાંકીમાં નાટ્યકારથી માંડીને દરેક અંગના મહત્ત્વને એમણે સ્પષ્ટ કરી આપ્યું છે. એકાંકીના સ્વરૂપની અનેક શક્યતાઓ અનેક અર્થમાં બતાવીને સ્વરૂપમાં ઘણી આશા જન્માવી છે. પછી એ જ શક્યતા – વિશેષતા જ એને કઈ રીતે બાંધે છે તેની ચર્ચા કરતાં કહે છે : 'એકાંકી. માટે જે વધુ પડતો ઉત્સાહ બતાવવામાં આવે છે તે યોગ્ય નથી. એકાંકીમાં જીવન દર્શનનો ઝબકારો માત્ર શક્ય છે. જીવનના મૂલગતને બાથમાં લેવા જેટલો એમાં અવકાશ નથી.' 'એકાંકી પ્રાપ્ય છતાં કેવું અપ્રાપ્ય.'

એકાંકીની સ્વરૂપ સમીક્ષા તેમણે કરી છે. તેમના પૂર્વે સમકાલીનોએ પણ એકાંકી વિશે ચર્ચાઓ કરી જ છે. ઉમાશંકર જોષી એકાંકી સંજ્ઞા અને સ્વરૂપ બંનેને સ્પષ્ટ કરતી વિશદ્‌ છણાવટ આ લેખમાં કરે છે. નવા એકાંકીકારોને એકાંકીનું સ્વરૂપ હસ્તગત કરવામાં સરળતા રહે – માર્ગદર્શક પુરવાર થાય એવો આ લેખ થયો છે. 'નાટ્યસાહિત્ય' એ લેખમાં તેમણે નાટ્યસાહિત્યના ચાર યુગ સંસ્કૃત, ગ્રીક, શેક્સપિયર અને ઇબ્સન પાડી ભવિષ્યનું નાટક કેવું હશે તેની ચિંતા કરી છે. તેમાં નાટકના વસ્તુ અને તેનો મનુષ્ય જીવન સાથે નિયતિ સાથે સંબંધ કેવો રહ્યો છે કે રહેશે તેની ચર્ચા છે.

અલબત્ત, ઉમાશંકર જોશી એથી વિશેષ ગ્રંથાવલોકનોમાં નાટ્યપ્રતનું અવલોકન કરે છે. નાટ્યવિવેચન તેમણે પણ ભાગ્યે જ કર્યું છે. આ સાથે સતત વિવેચન સાથે જોડાયેલા રહેલા ડોલરરાય માંકડ, અનંતરાય રાવલ, મનસુખલાલ ઝવેરી, ચુનિલાલ મડિયા આદિને યાદ કરવા જ પડે. ડોલરરાય માંકડે સંસ્કૃત નાટ્યસાહિત્યનો ઇતિહાસ આલેખ્યો તેમાં તેમની ઇતિહાસદૃષ્ટિ અને તત્ત્વાન્વેષી વિવેચકની છાપ પ્રગટે છે. અનંતરાય રાવલે ગ્રંથાવલોકનો કર્યા છે. વિપુલમાત્રામાં