લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વાતંત્ર્યોત્તર યુગનું નાટક વિશેનું વિવેચન ⬤ ૮૭
 

આરંભી મંચ પર પ્રસ્તુતિ સુધીની કાર્યવાહીનું માર્ગદર્શન કર્યું છે. 'ગ્રંથગરિમા' આમ તો મહદ્ અંશે ગ્રંથાવલોકનોનો ગ્રંથ છે. સાહિત્ય વિષયક અન્ય લખાણોની સાથે તેમણે કેટલાંક નાટકો અને એકાંકી વિશે સમીક્ષા કરી છે. 'ફાંકડો ફિતુરી' લેખમાં 'શર્વિલક' નાટક વિશેની સમીક્ષા છે. 'શર્વિલક' ચુનિલાલ મડિયાને 'નવી બૉટલમાં જૂનો દારૂ' જેવું લાગ્યું છે. તેઓ માને છે કે 'નાટકના વસ્તુને નવો ઘાટ આપવામાં લેખકે અસાધારણ હિંમત દાખવી છે. તો સાથોસાથ એની રજૂઆતમાં પણ હજી વિશેષ અરૂઢ બનીને, અર્વાચીન તખ્તાની જરૂરિયાતોને અનુલક્ષીને વિવિધ અંકો અને દૃશ્યોનું સંયોજન કર્યું હોત તો આપણી ગરીબડી ગુજરાતી રંગભૂમિને એક સમૃદ્ધ અભિનય નાટક સાંપડી રહેત.' 'શર્વિલક' નાટકની અભિનેય આવૃત્તિની આવશ્યકતા તેમણે જોઈ છે. 'મહાન નાટકો માટે સમર્થ સામગ્રી' એ લેખમાં ચુનિલાલ વર્ધમાન શાહના 'દેવનર્તકી'ના લેખક પાસે ઘણી બધી લેખનસામગ્રી છે તે કરીને મહાન નાટકો લખવાનું ઉત્તેજન આપે છે. તેમની એક નવલકથા 'રૂપમતી'ને શશીકાન્ત નાણાવટીએ નાટ્યદેહ આપ્યો હતો આથી એ પ્રકારનાં સહલેખનનો પ્રયોગ ગુજરાતી રંગભૂમિને ઉપકારક થઈ પડશે તેમ માને છે. 'ડાબા હાથની દડાફેંક'માં રા. વિ. પાઠકના 'કુલાંગાર' નાટ્યસંગ્રહની સમીક્ષા છે. જેમાં ત્રણ મૌલિક નાટકો અને અન્ય અનૂદિત કૃતિઓ છે. 'કુલાંગાર'માં આ મૌલિક નાટ્યરચનાઓમાં લેખકની સઘળી શક્તિઓ અને મર્યાદાઓ જોવા મળે છે. ચુનિલાલ મડિયા 'તખ્તાના પ્રત્યક્ષ કે સક્રિય પરિચયની કર્તામાં વારંવાર વરતાતી ઊણપ પણ નિભાવી જ લેવી રહી' એમ કહ્યા પછી પણ ઘણી અશક્યતાઓ નાટકોમાં જણાતી હોવા છતાં પણ 'કુલાંગાર'ની કૃતિઓને તો એક હળવા હાથની સિદ્ધહસ્તતા તરીકે જ મૂલવવી રહી કે 'કુલાંગાર'ની કૃતિઓ કર્તાના ડાબા હાથની દડાફેંક હોવા છતાં એ હાથ પણ એક કાબેલ ખેલાડીનો છે એની પ્રતીતિ આ પુસ્તકનાં પાને પાને થયા જ કરે છે.' જેવાં વિધાનો કઈ રીતે કરી શકાય તે અમને સમજાતું નથી.

'બે તોફા ફારસ'માં 'હોહોલિકા' અને 'મૂંગી સ્ત્રી' એ બે નાટકો વિશેની સમીક્ષા છે. ફારસપ્રહસન આપણી ભૂમિ પર પણ ઘણાં સારાં થઈ શકે છે તે નોંધ કરી ચુનિલાલ મડિયા ચંદ્રવદન મહેતાનાં આ બે નાટકો વિશે વાત કરે છે. તેમાં નાટક વિશેની તેમની સમજ જાણવા જેવી છે. 'નાટક એટલે જ નકલ, ખોટી વસ્તુ, બનાવટ, અભ્યાસ', 'મેક-બિલીવ' જે સાચું નથી એ સાચું હોવાનાં મનમનામણાં. મૂળજી આશારામ નામના શ્રીમાળી બ્રાહ્મણને માળવાના ધણી ભર્તુહરિ તરીકે ઠસાવવાનો પ્રયત્ન. આ નકલના પ્રયત્નમાં ખોટું જેટલે અંશે સાચું – એટલે કે સંભવિત – બનાવી શકાય એટલે અંશે એ નાટ્યકાર કે અદાકાર સફળતાના ગુણ