પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 

મેળવી શકે.૧૦ 'હોહોલિકા' અને 'મૂંગી સ્ત્રી' એ બે વિશેનું અવલોકન અહીં મળે છે. 'દેવદ્વારે'માં ટી. એસ. એલિયટના 'મર્ડર ઈન ધ કેથડ્રલ' નાટકના પ્રયોગની સમીક્ષા છે. આ નાટકની પ્રસ્તુતિ વિશિષ્ટ રીતે થઈ હતી તેની પત્રના રૂપમાં નોંધ કરી છે. સ્ટેજ અને ઓડિટોરિયમમાં કશો ભેદ નહીં. પાત્રો પણ પ્રેક્ષકો – પચાસેકની વચ્ચેથી જ રસ્તો કરીને આવે તેવી યોજના હતી. નાટકની પ્રસ્તુતિ અરૂઢ શૈલીની અને આકર્ષક હતી. ટી. એસ. એલિયેટના 'ધ કોન્ફિડેન્શયલ ક્લાર્ક' એ પદ્યનાટક વિશેનું અવલોકન 'રહસ્યમંત્રી' એ શીર્ષકવાળા લેખમાં મળે છે. આ નાટક વિશે તેમનો મત આવો છે – નાટક તરીકે આ કૃતિ કંટાળાજનક – બલકે નીરસ છે. ફારસની કક્ષાના નાટ્ય માળખા પર લાદવામાં આવેલો ચિંતનભાર ઉભડક રહી ગયો છે.૧૧

આ ઉપરાંત લોર્કાના 'ધ હાઉસ ઑફ બર્નાડો આલ્બા', આર્થર મિલરના નાટક 'ડેથ ઑફ એ સેલ્સમેન', ઓ'નિલનું 'ધ આઈસમેન કમેથ' આદિ વિદેશી નાટકોનાં અવલોકનો સાથે 'બિન્દુનો કીકો' – શરદબાબુ, 'ઘરકૂકડી' – ઉમેશ કવિ, 'શરતના ઘોડા’ – યશવંત પંડ્યા તથા 'વરઘોડો' – ઈન્દુલાલ યાજ્ઞિકની કૃતિઓની ચર્ચા તેમણે કરી છે. એકાંકીનાં પહેલાં પચ્ચીસ વર્ષના વિકાસની આનુપૂર્વી પણ તેમણે આપી છે.

ચુનિલાલ મડિયા મોટાભાગે ગ્રંથાવલોકન કરે છે. પરંતુ કેટલાંક નાટકો એવાં છે જેની ભજવણી વખતે તેઓ હાજર છે ને તેના વિશે તેમણે નોંધ કરી છે. તેમની સમીક્ષા કરવાની પદ્ધતિ જુદી છે. નાટક વિશેની આવશ્યક બાબતો વિશે નોંધ કરી પછી પોતાનો મત આપે છે. પરંતુ અહીં એક વાત પણ નોંધવી જોઈએ કે રા. વિ. પાઠક, ઉમાશંકર આદિનાં નાટકો વિશેની સમીક્ષામાં તેમણે મર્યાદાઓ ને વિશેષતા કરતાં હળવી ગણી ધ્યાનમાં નથી લીધી અથવા બે પ્રકારનાં વિધાનો કર્યા છે. નાટક અને રંગભૂમિ વિશે તેઓ સ્પષ્ટ સમજ અવશ્ય ધરાવે છે.

'નાટક ભજવતાં પહેલાં'માં તેમણે ભજવણી પૂર્વેની તૈયારી અને તાલીમ - સંબંધી માર્ગદર્શનની ચર્ચા કરી છે. તેમાંય નાટકના વિચારથી માંડીને, રંગમંચ, નાટકશાળાની શોધ, તખ્તાની રચના, પડદાની પસંદગી, પડદાનું પોત અને તક્તો સપાટ સારો – જેવા મુદ્દાઓમાં તેમણે રંગમંચ અને તેની આનુષંગિક બાબતો વિશે ટૂંકમાં પણ વિશદ ચર્ચા કરી છે. 'સન્નિવેશ અથવા સેટની રચના'માં તેમણે તખ્તાની સમગ્ર રચનાને ચિત્ર દ્વારા સ્પષ્ટ કરી છે. એવા તખ્તા પર સેટ કઈ રીતે ગોઠવવો તેની ટેનિકલ – વ્યવહારુ બાબતો આલેખી છે. સન્નિવેશ સાથે જ 'પ્રોપર્ટી (સામગ્રી)ની યાદી’ કઈ રીતે કરવી જોઈએ તે નોંધ્યું છે. 'વાણી, ઉચ્ચાર, સ્વરભાર' વિશેની ચર્ચા કરતાં તેમણે નાટકની ભાષા વિશે સ્પષ્ટતા કરી છે કે 'રોજિંદા જીવનની