પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વાતંત્ર્યોત્તર યુગનું નાટક વિશેનું વિવેચન ⬤ ૮૯
 

ભાષા કે ઉચ્ચાર નાટકમાં ન ચાલે. અત્યંત વાસ્તવદર્શી સંવાદો પણ રંગમંચ ઉપર બોલાય ત્યારે એનાં ઉચ્ચારણ, લઢણ, આરોહ-અવરોહ બદલાઈ જાય છે. સાચું કહીએ તો તખ્તાની વાણી થોડી કૃત્રિમ કે અવાસ્તવિક તો હોય જ. એ કૃત્રિમતા જ નાટકની કલા છે. નાટ્યકલાનો ઉદ્દેશ આબેહૂબ જીવન નહિ પણ જીવનનો આભાસ ઊભો કરવાનો છે. જે ક્ષણે આ આભાસ નષ્ટ થાય એ જ ક્ષણે નાટક નિષ્ફળ જાય છે.'૧૨ વાણી, ઉચ્ચાર અને સ્વરભાર ત્રણે બાબતો નાટકમાં કેટલી જરૂરી છે તેની સ્પષ્ટતા ઉદાહરણ સહિત આપી છે. 'હરફર અને જૂથરચના' એ મુદ્દામાં નટે તખ્તા પર કઈ રીતે ચાલવું અને કેવા સમૂહનો બનાવવા તેની સચિત્ર ચર્ચા કરી છે. તખ્તા પર ત્રણ કે ચાર પાત્રો હોય ત્યારે, અતિ મહત્ત્વનાં દૃશ્યો તખ્તાના કયા સ્થાને ભજવવાં, કઈ રીતે વધારે મહત્ત્વ સંપાદિત કરવું તેની તખ્તાના નકશા સાથે નોંધ કરી છે. 'પ્રકાશયોજના' વિશેના ખંડમાં 'કૃત્રિમ રોશનીની આવશ્યકતા'માં ધોધમાર રોશનીથી નાટક જોવાં સુગમ પડ્યાં પણ કુદરતી પ્રકાશમાં માણસના ચહેરામાં કે દૃશ્યમાં ઊંડાણનું જે ત્રીજું પરિમાણ દેખાય છે એ આ ધોધમાર રોશનીએ નષ્ટ કરી નાખ્યું. માનવ-ચહેરા તથા દૃશ્યો ચપટાં લાગવા માંડ્યાં, તેથી નટ-નટીઓની મુખરેખાઓને બરાબર ઉપસાવવા માટે કેટલીક કરામતો દાખલ કરવી પડી’, ‘ત્રણ પ્રકારની બત્તીઓમાં ફૂલલાઇટ, બોર્ડર લાઇટ અને સ્ટ્રીપ લાઈટ તથા વિશિષ્ટ પ્રકાશ માટે બૉક્સ લાઇટ, ફ્લડ લાઈટ, સ્પોટ લાઇટ તથા ડિમરનો ઉલ્લેખ તેમણે કર્યો છે. આમાંની અને આ ઉપરાંતની અન્ય 'બત્તીઓ’ વિશે, તેના સ્થાન વિશે અને તેની 'ઇફેક્ટ' વિશે આ ખંડમાં ચર્ચા કરી છે. અહીં એમણે 'સ્પોટ લાઇટ'ના ઉપયોગની ચર્ચા કરી છે. આજે તક્તો પ્રકાશયોજનામાં ઘણો આગળ કૂચ કરી ગયો છે. પ્રકાશયોજનાથી સમયવિભાજન અને ભાવપ્રતિભાવની અભિવ્યક્તિમાં ધારી અસર ઊપજાવી શકાય છે. 'રંગભૂષા'ના ખંડમાં રંગભૂષાની આવશ્યકતાની વિશદ છણાવટ કરી છે. રંગભૂષામાં મૂળ રંગની પસંદગી, 'દાઢી અને મૂછ ચોંટાડવા માટે શું કરવું, આંખ અને નેણનો ઉઠાવ કઈ રીતે આણવો, કપાળ અને ગાલ કે પ્રકાશયોજનાથી નટ-નટીના નાકનો ઉઠાવ નથી આવતો તો તે નાકને કઈ રીતે જાળવવું – આદિની ચર્ચા કરી છે. 'નાટ્યનિર્માણ' એ ખંડમાં નિર્માતાને નાટકના નિર્માણ માટે કેટલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે સ્પષ્ટ કર્યું છે. નાટકની 'ભજવણી આવૃત્તિ' તેમાં પાત્રોના પ્રવેશ, વિષય, પ્રકાશની વધઘટ, નેપથ્ય સંગીત એ બધાની સૂચના તૈયાર કરવી જોઈએ. નટ-નટી અને નેપથ્ય સંભાળનારને પણ કેટલીક સંજ્ઞા 'ક્યુઇંગ' નક્કી કરવી જોઈએ, એના માટે દિગ્દર્શક - નિર્માતા વ્યવસ્થિત કોઠો તૈયાર કરે છે. અહીં 'ભારેલો અગ્નિ'ના નિર્માણનો નકશો તેમણે આપ્યો છે. પ્રોમ્પટરની કામગીરી વિશે પણ નોંધ કરી છે. અંતે તેમણે