લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વાતંત્ર્યોત્તર યુગનું નાટક વિશેનું વિવેચન ⬤ ૯૧
 

કર્યું છે. 'રંગભૂમિના કર્તાઓ અને આ સાહિત્યિકો બન્નેનાં (નાટક વિશેના ખ્યાલ તેમ જ આશય જ જુદા હતા) આદર્શો અને રુચિતંત્ર જુદાં હતાં, આથી સાક્ષરો સાથે રંગભૂમિનો મેળ ન થઈ શક્યો.'૧૫ રંગભૂમિક્ષમ નાટકો અને માત્ર પાઠ્ય નાટકો એવા ભેદ આરંભથી જ પડવા માંડ્યા હતા તેની તેમણે નોંધ કરી છે. કાન્ત-ન્હાનાલાલનાં નાટકો વિશે, રમણભાઈ નીલકંઠમાં રાઈનો પર્વત વિશે, તેની સાહિત્યિકતા વિશે કલામયતા વિશે વિસ્તૃત ચર્ચા ચલાવી છે. વિનોદભાઈ ન્હાનાલાલના મનની રંગભૂમિ પર ભજવાતાં નાટકોથી પ્રભાવિત છે. એમણે ન્હાનાલાલનાં નાટકોમાં શેક્સપિયરનાં નાટકોની શૈલી જોઈ છે, તો બેકેટ, આયનેસ્કો આદિનાં નાટકોમાં પ્રચલિત થયેલું ઍબ્સર્ડ પણ તેમને અહીં ક્યાંક જણાય છે. તેમને ન્હાનાલાલનાં આ શ્રાવ્યનાટકો પાસેથી ઘણી અપેક્ષા છે. 'ન્હાનાલાલનાં નાટકોનો નવી રીતે અભ્યાસ કરી તેમના પ્રયોગોને અને તેમનાં નાટકોમાં વેરાયેલા થોડા છતાં મહત્ત્વના નાટ્યપ્રયોગોને નવેસરથી મૂલવવાનો પ્રયાસ જરૂરી છે. આધુનિકને કદાચ આગામી ગુજરાત નાટકોમાં, સંભવિત છે કે તેમની તરકીબો, તેમની વાકશૈલી ઉપકારક નીવડે. શેક્સપિયરના અને ગ્રીક નાટકોનાં સફળ અનુવાદો કરવામાં તો કદાચ તે ઘણી વધુ ઉપયોગી નીવડે. તે એમ પણ માને છે કે 'અવારનવાર કોરસ અને સૂત્રધાર જેવી નાટ્યપ્રયુક્તિઓ અજમાવવા છતાં અને નાટ્યપ્રયોગનો બધો દેખાવ ઊભો કરવા છતાં એકંદરે તો, થોડાક નોંધપાત્ર અપવાદો બાદ કરતાં ન્હાનાલાલનાં નાટકો – કાવ્યો તરીકે જ સ્વીકાર પામ્યાં છે. અલબત્ત, તે ગુજરાતી નાટકોના એક વિશિષ્ટ પ્રકાર જરૂર બની રહ્યાં છે.૧૭

'મુનશીજી જેવાને હાથે.... ગુજરાતનાં રંગક્ષમ નાટકોમાં સાહિત્યમાં કેવળ સાહિત્યિક નહીં એવાં નાટકો ઉમેરાય છે. નાટ્યસામગ્રી નાટ્યતત્ત્વ અને નાટ્યાત્મક પરિસ્થિતિની તેમજ નાટ્યશૈલીની વિશિષ્ટ સ્વભાવજન્ય સૂઝ મુનશીમાં છે તેથી તે કુશલ શિલ્પી તરીકે પ્રગટ થાય છે. તેમનાં નાટકોનું સ્વરૂપ જ બોલીવાલા અને રણછોડભાઈ કે વાઘજીભાઈ, ડાહ્યાભાઈ અને જૂની રંગભૂમિને 'જૂની નથી' બનાવી મૂકે છે. મુક્તતા અને સુશ્લિષ્ટતા, કથયિતવ્યની સમાજલક્ષિતા અને કૃતિની કલાત્મકતા, પાત્રોની વાસ્તવિકતા અને વિશિષ્ટતા, નાટકોની રંગક્ષમતા અને સાહિત્યિક ગુણવત્તા તેમ જ પ્રવર્તમાન રંગભૂમિની રીતિઓનો ઉપયોગ અને છતાં નવી રંગભૂમિની સ્થાપના આ સૌ મુનશીમાં એક સાથે પ્રાપ્ત થાય છે. આ દૃષ્ટિએ મુનશી ગુજરાતી નાટકના અને રંગભૂમિના સ્વરૂપવિકાસનું સીમાચિહ્ન બની રહે છે.૧૮ મૂળ રંગભૂમિનો આરંભ મુનશીથી જ માત્ર નહીં પરંતુ ચંદ્રવદન મહેતાના પ્રયત્નો પ્રયોગો-આંદોલનોથી પણ થયો છે. ચંદ્રવદન મહેતા પ્રવર્તમાન રંગભૂમિના ગુણદોષ જાણે છે અને તેનાથી ઉફરા ચાલી ગુજરાતને નવી રંગભૂમિ આપે છે.