પૃષ્ઠ:Gujarati Paheli Chopdi Pt.1.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રસ્તાવના

સામાન્ય ચર્ચા તેમ જ એક વર્ષના શિક્ષણાનુભવને પરિણામે આ ચેાપડીમાં યોગ્ય ફેરફાર કરવામાં આવ્યેા છે, ચોપડીની મૂળ વસ્તુમાં બહુ ફેરફાર કરવામાં આવ્યેા નથી, પણ તેને બાળકની સામે ધરવાની પદ્ધતિમાં ફેર કરેલો છે. પાઠોને પ્રશ્નોત્તરપદ્ધતિએ ન લખતાં સળંગ લખ્યા છે, છતાં સંવાદની પદ્ધતિ તે કાયમ જ રાખેલી છે. આથી પાઠ ટૂંકા થયા છે અને ચેાપડીનું કદ ઘટયુ છે. બાળકોને રુચે એવા કેટલાક નવા પાઠ આમાં ઉમેરેલા છે. કવિતા- ઓમાં પણ ઘણો ફેરફાર કર્યો છે. બાળકો માટેનું કાવ્યસાહિત્ય આપણી ભાષામાં ઘણું ઓછું છે તેથી આ બાબતમાં ઘણી અડચણા નડે એ દેખીતું જ છે. બને તેટલી કાળજી રાખી, જ્યાંથી મળી શકે ત્યાંથી એવું સાહિત્ય એકત્ર કરી લાવવા યત્ન કર્યાં છે; છતાં પણ એ દિશામાં સંપૂર્ણ સંતોષ થાય એવું તો નથી જ થયું. એ બાબતમાં આવતી વ્યવહારુ સૂચના પર અમે પૂરતું ધ્યાન આપવા તૈયાર જ છીએ.

કોઈ પણ ચોપડી સફળ રીતે શીખવવાનો આધાર ઘણે અંશે શિક્ષક પર જ રહેવાનો. સાધન અપૂર્ણ હોય છતાં સારો શિક્ષક તેમાંથી પણ સારું પરિણામ લાવી શકે; જ્યારે પોતાના ધંધાની કળા બરાબર ન જાણનાર શિક્ષક પૂરતાં અને સારાં સાધન હોવા છતાં નિષ્ફળ થાય. આમ હોવાથી આ ચાપડીના ઉપયોગ પરત્વે થોડીક સૂચના ચોપડી શીખવવાની રીતમાં આપી છે.

છોટાલાલ બાળકૃષ્ણ પુરાણી