પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૦૧]


નહીં જામો, નહીં કફની,
નહીં ! નહીં ! ખાક નહીં ધરીએ:
અનલહક બસ રહે હઈયેઃ
ફકીરી બાદશાહ છઈએ.

અસલ સત્તા સનમશાહી,
ઝમીં અસ્માનને દરિયેઃ
સલામી બસ તહીં દઈએ:
ફકીરી બાદશાહ છઈએ.

ફક્ત માલેકની રૂબરૂ,
અજાયબ ગુફ્તગો કરીએઃ
સનમ ! તારી હકીકતમાં,
ફકીરી બાદશાહ છઈએ:

ફના કરીએ, ફના થઈએ:
ફના કરવા હુકૂમ કરીએ:
ફનાની શહનશાહતના,
ફકીરી બાદશાહ છઈએ.

બકાના તખ્ત પર આખર,
ખરા વારસ અમે છઈએ:
અમરગઢ જીતવા જઈએ:
ફકીરી બાદશાહ છઈએ.

સનમનાં જોર પર સાગર,
ભરી ભરી નૂર પી લઈએ:
દિલે દિલ શહનશાહબાનું !
ફકીરી બાદશાહ છઈએ.