પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૦૫ ]


જડમાં તુંને જોતી સતી,
ખુદી જલાવી જલી જતીઃ
કાફર કહે કાફર કદી !
પણ ઈશ્ક ! ઓ મારી સનમ !

આબાદ લગની લાગતી,
તેને, સનમ ! તું તારતીઃ
જડ ચેતના ભેદો નથીઃ
જોતી ફનાઃ મારી સનમ !

છો હોય જડ યા ચેતનાઃ
દિલ એકમાં હો પૂર ફનાઃ
તો ખુદ ખુદાની કશી તમા?
શું છે ખુદા ? મારી સનમ !

જ્યાં આશકોના આહ છે,
ભર અશ્ક પર દરગાહ છે,
ત્યાં ખુદ ખુદા જ પ્રવાહ છે:
છે ગેબ એ: મારી સનમ !

ઝુલમ, ઝખમ તોબાહ છેઃ
છે દૈવી પણ દિલદાહ એ:
ના જોગીઓ ગૂમરાહ છેઃ:
છે રાહબર મારી સનમ !

કરૂં શું હું વેદપુરાણને ?
શું તીર્થ, સંધ્યાસ્નાન છે?
દિલબર જહીં દિલજાન છેઃ
તૂંહિ ! તૂંહિ ! મારી સનમ !