આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મુજને નથી કાં સ્પર્શતાં, તારાં અભયવચન બધાં?
પૂરાં કરીશ શું બધાં, તું તારા સ્વર્ગવાસમાં?
તારૂંય દિલ વિચિત્ર છે, તારો સ્વભાવ છે અજબ,
કેમ રહે છે દૂર દૂર રહીને તું આસપાસમાં ?
મારે જગત નિવાસ છે, તારો નિવાસ મુજ હૃદય,
હું તારા વાસમાં દુઃખી, તું સુખી મારા વાસમાં ?
ખ્વાજા ભક્ત સત્તારશાહ નિઝામી
વિશ્વવ્યાપી છે, છતાં સંતાય છે,
એ સનમ શરમાળ છે શરમાય છે. ૧
પ્રેમીઓના દિલમાં લાગી લહાય છે,
નેવનાં જલ મોભે જઈ ઊભરાય છે. ૨
દેખીને બળતાં હૃદય બોલ્યા સનમ,
છો બળે એ મોજ મારી થાય છે. ૩
કોઈ રડતા, કોઈ હસતા જાય છે,
જેના જેવાં કર્મ તેવો ન્યાય છે. ૪
સદ્દગુરુ કર સત્ અનુભવ પામવા,
મનમુખી ઊંચે ચડી પછડાય છે. ૫
પ્રેમીઓ પહેલાં રડે, પાછળ હસે,
સાંભળો છો, શું કહ્યું? સમજાય છે. - ૬