પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૧૮]


તેં આવી આ જગતમાં મિથ્યા જીવન ગુમાવ્યું,
તારાથી જંતુ સારા પથ્થરમાં ઘર કરે છે.

વિશ્વાસ રાખ 'યદા' લાતકનતૂની ઉપર,
બીજાની પાસે જઈ તું શું કામ કરગરે છે?



'નસીમ'

૮૪ : આંખડી ભરી જોયું !


ઝાકળ અશ્રુ બની ઝરી જોયું !
ફૂલના રૂપમાં ખરી જોયું !

એક મૃગજળ અખિલ સૃષ્ટિ છે;
રજકણે રજકણે ફરી જોયું !

ખાક થઈ જ્યોતે જઈ પતંગ સમે;
પ્રેમના પાવકે ઠરી જોયું !

હું જ તસ્વીર થઈ ગયો તેની;
ચિત્ર સ્નેહીનું ચીતરી જોયું !

ગુલપ્રભા અલ્પ બિંદુઓથી હતી;
બુલબુલે આંખડી ભરી જોયું !

રંગ–બૂથી ભરી બધી આલમ;
બાહ્ય દર્શનને વીસરી જોયું !

જઈ શક્યો ક્યાં દિગંતને આગે;
લાખ સિંધુ મહીં તરી જોયું !