પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'૫રિશિષ્ટ'
ગુજરાતીમાં ' ગઝલ 'નું સાહિત્ય

(સૂફીવાદ યાને ગઝલનું આધ્યાત્મિક સૂચન એ વિષય ઉપર વિખ્યાત 'ગઝલિસ્તાન'માં ગઝલના ઊંડા અને આધ્યાત્મિક અર્થ સમજાવનારો આ નિબંધ રા. રા. જ. દા. ત્રિપાઠી ઉર્ફે 'સાગર'નો લખેલો છે; તે ગુજરાતની ગઝલોના વાચકોના ફાયદાને માટે અત્રે આપવામાં આવ્યો છે–પ્રકાશક)

ॐ प्रेमधर्माय नमः । प्रेमस्वरूपाय नमः ॥

સચ્ચિદાનંદસ્વરૂપ સનમ ! તારું અદભુત પ્રેમખેલન નાનાવિધ પ્રકારે સર્વત્ર અને સર્વ કાળે ચાલ્યા કરે છે. તારી બ્રહ્મલીલા અગમ્ય છે, છતાં તારી કૃપાને પાત્ર થયેલા બ્રહ્મવેત્તા, સિદ્ધ અને ત્વલ્લીન પ્રેમભક્ત દુનિયાને સ્વાનુભવપ્રસાદ આપે છે કે પૃથ્વીના પટ પર કંઈ કંઈ ફેરફાર દ્રશ્ય થવા છતાં, તારા સર્વમય સ્વરૂપનો તેજ:પુંજ-હકના નૂરનો પ્રવાહ તેનો તે જ છે. મનુષ્યનું હૃદય ઐહિક નશ્વરતાને બદલે તારા મિનોઈ શરાબ તરફ જેમ જેમ ઢળતું જાય છે, તેમ તેમ તારી વિરાટ મૂર્તિના ઝળહળતા જ્યોતિની સ્વાનુભવપૂર્ણ ઝાંખી તેને અવશ્ય થવા લાગે છે અને ક્રમે ક્રમે તું પોતે તેને તારારૂપ બનાવી દે છે; તારી જાદૂઈ નશાદાર પ્યાલી પીધેલાં–તારા જ તાનમાં મસ્ત કોઈ સુભાગી હૃદય, અન્તર્મુખી વૃત્તિથી તારા અનાદિ રાસખેલનમાં લીન રહે છે અને એ અનિર્વાચ્ય રસસંગીતની વિલક્ષણ સારીગમના દિવ્ય શ્રવણાલાપમાં આશ્ચર્યવત્ બની ગળી જાય છે.