પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જાહેર નિવેદન

પુસ્તક પ્રકાશનનું કામ લડાઈને લીધે કેટલું મુશ્કેલ થઈ પડે છે. છે, તેનો ખ્યાલ વાચકવર્ગને આવી શકશે નહિ. નફો રાખીને તો આ સંસ્થા સાધારણ સમયે પણ કામ નહોતી કરતી તો હવે લડાઈના ચોથા વર્ષમાં નુકસાન ખમીને જ આર્ય સંસ્કૃતિનો નિર્મળ જ્ઞાનપ્રવાહ વહેતો રાખવાનો રહ્યો. પૂજ્ય સ્વામી શ્રીઅખંડાનંદની કૃપાથી આ શુભકાર્ય ચાલુ રાખવાનો દરેક પ્રયત્ન ટ્ર્સ્ટીઓ કરશે. પાંત્રીશ વર્ષ માં બસો પચાસ સારાં પુસ્તકો ગુજરાતને બહુ સસ્તી કિંમતે આ સંસ્થાએ આપ્યાં છે. એટલે આ સંસ્થા તરફ વાચકવર્ગની દિલસોજી અને ભલી લાગણી ખેંચાઈ છે. પણ હવે પછી એક ખુલાસો કરવાની જરૂર છે. સૌથી સસ્તું પુસ્તક જોઈતું હોય, તેમણે 'વિવિધ ગ્રંથમાળા'ના ગ્રાહક થઈ જવાની જરૂર છે. પાંચ રૂપિયામાંથી સવા રૂપિયો પોસ્ટનો જતાં ત્રણ રૂપિયા બાર આનામાં જૂનાં છાપાં પણ ન મળે, તેટલા ઓછા ભાવે આ સંસ્થા મજબૂત બાંધણીનાં ઊંચામાં ઊંચાં પુસ્તકો હજી આપે છે. ગુજરાતની પ્રજા તેનો લાભ ભલે મેળવે. જે પુસ્તકો સિલકમાં છે, તે કદી પણ ફરી છાપીને વેચી શકાય નહિ, તેવી સસ્તી કિંમતે અપાય છે. આ જાહેર સંસ્થાદ્વારા લોકોને ભલે ફાયદો થાય એ નજરથી જ્યાં સુધી બની શકશે ત્યાં સુધી તેમ કરવામાં આવશે. હાલ નવાં છપાતાં પુસ્તકોની છૂટક કિંમત અગાઉના ધોરણ કરતાં થોડીક વધુ રાખવી પડે છે, તેનો ય અમને અફસોસ છે. પણ આમાં કોઈ ઉપાય નથી. જેને સસ્તું મેળવવું હોય, તેણે ગ્રંથમાળાના ઘરાક થઈ જવું એ જ સારું છે. કારણ કે તેના લવાજમમાં વધારો કર્યો નથી, તેમજ તેમ કરવાનો ઈરાદો પણ નથી. ‘વિવિધ ગ્રંથમાળા’ના ગ્રાહકોને અને છૂટક લેનાર બન્નેને જેવો લાભ લડાઈ પહેલાં મળતો હતો, તે હવે નવાં પ્રકાશિત થયેલાં પુસ્તકમાં છૂટક લેનારને મળશે નહિ, માટે જ આવી સૂચના કરવામાં આવી છે.

મુંબઈ
તા ૨-૭-૪૩
સસ્તું સાહિત્ય મુદ્રણાલયના ટ્રસ્ટીઓ વતી
મનુ સુબેદાર (પ્રમુખ)
}