પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૨૮ ]


હિમાયતીઓની કવિ નર્મદાશંકરે, ખરેખર, એ અતિ કીમતી સેવા બજાવી છે.

'સારી કવિતા લખે તે બધા કવિ' એવી વ્યાખ્યાનો સ્વીકાર કરીએ તો દયારામ બેશક, ઊંચા વર્ગનો કવિ ગણી શકાય; પણ તેના આન્તરજીવનની સર્વોપરિ પ્રવૃત્તિ અથવા તેના હૃદયાન્તરના મૂળ પ્રવાહની સતતતા પરથી નિર્ણય કરીએ, તો તે કવિ નહિ, પણ આશક છે–ભક્ત છે. આપણા સમકાલીન અને સુપ્રસિદ્ધ સ્વર્ગવાસી કલાપીના સંબંધમાં તે કવિ કે સ્નેહી એ ચર્ચા જુદા જુદા લેખકોએ જુદાં જુદાં દ્રષ્ટિબિંદુથી ઘણીકવાર કરેલી છે; અને છતાં એનો નિર્ણય જાણે ઘણાને માટે હજી અપૂર્ણ રહેલો છે. કવિતા જેની માશૂક છે તે કવિ; કાલિદાસ, શેકસ્પિયર, શેલી, ટેનીસન, પ્રેમાનન્દ અને દલપતરામ સુધ્ધાં, અલબત્ત કવિ છે; કેમકે, કવિતા એ તેમની મનો૨મા–પ્રિયતમા છે. 'કવિતા' એ કલાની દેવી છે અને તેની ખાતર તેઓ લગભગ બધું સમર્પણ કરવાને તૈયાર છે. નરસિંહ, મીરાં, દયારામ, કલાપી કે પ્રેમનું દર્દી કોઈ પણ જિગર એ દેવીની ખાતર પોતે હૃદયથી સ્વીકારેલો પ્રેમજીવનને ધર્મમાર્ગ એક તસુ પણ, કદાપિ છોડી શકે નહિ, અને કાલિદાસાદિ કવિતા વગરના જીવનમાં ક્ષણ પણ જઈ શકે નહિ, આવો મૂળતત્ત્વનો તફાવત બહુ સ્પષ્ટ છે, ત્યારે દયારામ અને કલાપી વગેરેને કવિમાં ગણવાનો આગ્રહ શા માટે ? તેમને કવિ નહિ, પણ આશક જ ગણવા એ સકારણ વાજબી લાગે છે. એમનાં હૃદયને, એમના જીવનને–ખુદ એમને, કવિ કહેવાથી શું આપણે ગેરઇન્સાફ કરતા નથી ? જિગરના લોહીથી લખેલા એમના અસ્ખલિત હૃદયોદગારમાં પાંડિત્યનું પ્રદર્શન નહિ પણ સ્નેહનું સ્વાભાવિક દર્દ અને વિરહનું રુદન ખુલ્લું છે. કલાના પૂજારીની પેઠે તે બહારથી નહિ પણ અંદરથી બોલનાર છે, એ