શ્રીકૃષ્ણની જોગણ બની, આંતરબાહ્ય સર્વસ્વ તેમને સમર્પિત કરી તેમને એકને જ તે આરાધે છે. પોતાના પ્રભુનાં પુરાણ-પ્રસિદ્ધ લીલાસ્થાનોનાં દર્શન કરતાં કરતાં શ્રીકૃષ્ણની વહાલી વિહારભૂમિ-વિલક્ષણ વૃંદાવનમાં તે આવે છે અને ત્યાં મહાત્મા જીવા ગોસાંઇનો નિવાસ સાંભળીને, તેમને 'હરિજન જાણીને' તે નિમંત્રણ મોકલે છે. જીવા ગોસાંઈ સ્ત્રીનું મોં નહિ જોવા નિયમ પાળતા હોવાથી નિમંત્રણને અસ્વીકાર કરે છે. ફકત શ્રીકૃષ્ણને જ પુરુષ માનતાં મીરાંબાઈ જીવા ગોસાંઈને કહેવરાવે છે –
'આજ લગી હું એમ જાણતી જે વ્રજમાં કૃષ્ણ પુરુષ છે એક:
-' વૃન્દાવન વસી હજી પુરુષ રહ્યા છો ! તેમાં ધન્ય તમારો વિવેક !
'મીરાં મન મોહન શું માન્યું.'
(મીરાંચરિત–દયારામ)
તેનાં પ્રેમયોગી ચક્ષુઓ ફક્ત એકને જ પુરુષની ભાવનાથી પૂજે છે. પ્રેમયોગ એનો આત્માનુભવ છે.
ભકત પોતે 'ગોપી’ બની જઈને, હૃદયની પૂર્ણ આસ્થાથી પ્રભુને જ પોતાને પ્રેમસ્વરૂપ સ્વામી સ્વીકારે છે અને તેની સાથે હૃદયની લગની લાગતાં પ્રેમયોગ–ભક્તિયોગ જામી જાય છે અને પરિણામે તે તેને પામે છે.
વૈષ્ણવસંપ્રદાયને અનુરૂપ, ભક્તિના આ વિધિને સમરૂપ, પણ બાહ્યમાં તેનાથી ભિન્ન પ્રકાર, ઈરાન, અરબસ્તાન વગેરે ઇસ્લામી મુલ્કોમાં ભારતવર્ષની પેઠે જ પ્રચલિત છે. મીરાં, નરસિંહ તથા કૃષ્ણને ઈષ્ટ અને પ્રભુ માનનારા બીજા ભક્તો જેમ પોતે પોતાને 'સખી’ અને પ્રભુને 'પ્રિયતમ' માને છે, તેમ ઈરાન વગેરે દેશોના ભક્તો પ્રભુને પ્રેમસ્વરૂપ પ્રિયતમા–માશુક માને છે. કૃષ્ણના ભક્તોની પેઠે જ તેઓ પ્રભુનાં દર્શન માટે હૃદયની લગની લગાડીને પૂર્ણ પ્રેમથી તેની ભક્તિ કરે છે. આવા ભક્તો 'સૂફી' ઉપનામથી મશહૂર છે. એવી જ 'સૂફીવાદ'ની