પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૩૭]


કંઈક અસર દયારામભાઈની ઉર્દૂ–હિન્દી ગઝલમાં થયેલી લાગે છે. તેમણે જેમ સખીભાવે કૃષ્ણને પતિ, પ્રીતમ વગેરે સંબોધન કર્યા છે, તેમ સૂફી આશકોની પેઠે તેમણે મહબૂબ, માશૂક, દિલદાર વગેરે સંબોધનો પણ કૃષ્ણને કરેલાં છે. સૂફીવાદમાં ભક્ત તે આશક છે અને પ્રભુ તે માશૂક છે. આશક અને માશૂક એટલે ભક્ત અને પ્રભુ.

પરંતુ, દરેક ગઝલમાં ભક્ત અને પ્રભુ વચ્ચેના પ્રવાહનો જ ઉલ્લેખ હોય એવું નથી હોતું. કેટલીએક ગઝલો એવા પ્રકારની પણ હોય છે કે જેમાં સ્ત્રીપુરુષના સામાન્ય માનવસંબંધની જ વાત હોય છે. માનવપ્રેમને 'ઇશ્કે મિઝાજી' કહેવામાં આવે છે અને કેવળ ભાવનામય અમૂર્ત પ્રભુને મૂર્ત છે કલ્પીને—અથવા વેદાન્ત પ્રમાણે સ્વરૂપને લક્ષીને સનમ–પ્રિયતમાનું સંબોધન કરેલું હોય છે, તેવી પ્રીતિને 'ઇશ્કે હકીકી' યાને ઇશ્કે ઇલાહી (ઈશ્વરી પ્રેમ) કહે છે.

અલબત્ત, સૂફીઓએ લખેલી આરબી, ફારસી અને ઉર્દૂ ગઝલમાંથી પણ પ્રભુપ્રેમની અને માનવપ્રેમની ગઝલો પિછાનીને જુદી પાડવાનું કામ બહુ મુશ્કેલ છે; કેમકે શબ્દ–સંદર્ભ, ભાવનાની વ્યંજના—હૃદયના ઉદ્‌ગારોનું સામાન્ય સ્વરૂપ બન્ને પ્રકારની ગઝલોમાં લગભગ સમાન જ હોય છે. સાહિત્યના વિદ્વાન વિવેચકોથી પણ પ્રભુપ્રેમની અને માનવપ્રેમની ગઝલ જુદી પાડીને તેમની પરીક્ષા કરવાનું બની શકે તેમ નથી, એ કાર્ય તો આન્તરદ્રષ્ટિના માહાત્મ્યનું છે, કે જે ભક્તિયોગને માર્ગે બ્રહ્મકૃપાને પરિણામ તરીકે સ્વયં ઉદ્દભવે છે.

સૂફીવાદની સાથે 'ગઝલ'ને ખાસ સંબંધ છે. સૂફીના સિદ્ધાંતો આરંભમાં વૈષ્ણવસંપ્રદાયની પ્રેમભક્તિને, તેના પ્રેમ-કીર્તનને સમરૂપ હોઈ, છેવટે કેવલાદ્વૈત વેદાન્તમાં પરિસમાપ્તે