પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૩૮ ]

છે. સૂફીવાદની હકીકત વિસ્તારથી જાણ્યા વિના, ઇશ્કની ગઝલોને ઇન્સાફ આપવાની પૂરી પાત્રતા આપણે પામી શકીએ નહિ અને તેથી તેનો સાર અહીં વિચારી જવો જોઇએ.

'સૂફી' એ શબ્દનો અર્થ (સૂફ-ઊન, એ ઉપરથી) ઊનનો જામો પહેરીને ફરનાર એવો થાય છે અને એ ઉપરથી રૂઢ અર્થ, સૂફી એટલે પવિત્ર મનુષ્ય એવો કરવામાં આવે છે. આર્યધર્મનાં જુદાંજુદાં શાસ્ત્રોમાં કર્મકાંડ, ઉપાસના, જ્ઞાનકાંડ, યોગદર્શન ઇત્યાદિ માર્ગોદ્વારા બ્રહ્મનો વિચાર કરવામાં આવે છે, છતાં વિશુદ્ધ હૃદયે માત્ર પ્રેમની જ લગની લગાડીને સતત ભજનકીર્તનમાં રત રહેતાં ભકતહૃદયો શાસ્ત્રોને ગણકાર્યા સિવાય પોતાનું પ્રેમવિશ્વ જુદું જ રચે છે; અને આવાં ભક્ત હૃદયનાં ઘણાં દ્રષ્ટાંતો ભારતવર્ષની ભિન્નભિન્ન ભાષાઓના સાહિત્યમાં મોજૂદ છે. સૂફીવાદનો અનુયાયી આશક પણ તે જ મિસાલે સનમની લગની અને પ્રેમભક્તિમાં લીન રહે છે. આપણા સાહિત્યમાં જાણીતાં થયેલાં ભક્ત હૃદયોની માફક લોકૈષણા, વિત્તૈષણા, શાસ્ત્રૈષણા, પુત્રૈષણા વગેરે બધી વાસનાઓને સૂફી આશક પ્રેમનાં ભજનકીર્તન અને પ્રેમયોગની લીનતાદ્વારા ક્રમાનુક્રમે ઓગાળી દે છે અને પ્રભુના એક જ વિચારમાં જિંદગીનું તે સર્વસ્વાર્પણ કરે છે.

વૈષ્ણવસંપ્રદાયનો સાચો અનુયાયી–ગોપી બનેલો ભક્ત જેમ પ્રભુપ્રેમનાં ભજનમાં—તેનાં ગાનતાન અને નૃત્યમાં જ મશગૂલ રહે છે, તેમ સૂફી આશકો પણ 'નાચનારા' કહેવાય છે. આવા ભક્તો દુનિયાદારી પતાવીને સનમના ચિન્તવનમાં ઝુકાવે છે–નાચે છે–ઊનને જામો (એટલે ફકીરની કફની જેવું લાંબું પહેરણ) પહેરે છે અને બંસી બજાવે છે તથા ગઝલકવ્વાલીની બેતો લલકારતા અથવા ચિન્તવનમાં હાલમસ્ત જિંદગી ગુજારે છે. સૂફી આશક સનમનું ચિન્તવન કરે છે તે સ્થિતિને