પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૪૩]

છે. અહીં જણાતી સૌન્દર્યની અને સ્નેહની મૂર્તિઓ પ્રભુનાં પ્રતિબિમ્બો છે, તેના સૌન્દર્યના આદર્શો છે. આખું જગત કરોળિયાની જાળ જેવું છે. સ્વરૂપાનુભવ માટે બહુલક્ષક ચિત્તને એક સ્થાને સ્થિત કરવાની જરૂર છે અને એવી ઘનીભૂત થયેલી હૃદયભાવનાના પ્રબળ પ્રવાહથી પ્રેમયોગ સિદ્ધ થઈ શકે છે. પ્રેમયોગ એ સૂફીનું મહત્વનું સાધન છે.

છતાં, સૂફી સન્તમહાત્માઓ જે જગતને નિયમનમાં મૂકવાને તેની સાથે સંબંધ રાખે છે, તેઓ જગતના હિતની ખાતર અધિકારભેદને પણ સ્થાન આપે છે; બધાં હૃદયોની એકસરખી પાત્રતા હોતી નથી અને તેથી જેઓ સૂફીવાદની દીક્ષા સ્વીકારે છે તેમને માટે કેટલાક સંતમહાત્માઓએ અમુક ક્રમ ઠરાવેલો છે. 'ફના–ફી–શય; ફના–ફી–શેખ; ફના–ફી રસૂલ અને ફના–ફીલ્લાહ:' એ ચાર પગથિયાં સૂફી ઇશ્કનાં ક્રમિક આરોહણો છે. 'ફના–ફી—શય' એટલે કોઈ પણ ચીજમાં ગુમ થઈ જવું અને એ ન્યાયે જોતાં ખરા હૃદયની 'મૂર્તિપૂજા' સાથે સૂફીવાદને કશો વિરોધ નથી. અલબત્ત, મૂર્તિપૂજાને નામે હાલ ભારતવર્ષમાં જે બાહ્યાડમ્બર પ્રચલિત છે, તેને તો સૂફીઓ વ્યર્થ અને અર્થહીન જ ગણે છે. મૂર્તિ પૂજા જો पोर्ण प्रेमથી કરવામાં આવે, મીરાંબાઈની પેઠે એવી ભાવભક્તિથી કરવામાં આવે કે તે કર્યા સિવાય હૃદય જીવી શકે જ નહિ, તો જ તે સાર્થક છે-બાકી આપણા દેશમાં મંદિરો અને મૂર્તિપૂજાનો જે રિવાજ ગતાનુગતિક ચાલ્યો આવે છે એવા કૃત્રિમ અને ફરજિયાત દંભમાં તો સૂફી આશકને કશી આત્મોન્નતિ લાગતી નથી. એવી સ્થૂલ શૃંખલાઓથી તેનું હૃદય દૂર રહે છે. અલબત, સૂફીઓ કદાપિ ધર્મના ઝગડામાં પડતા નથી, પણ કેવળ ઉદાસીન રહે છે. તેમને જગતની સાથે કશી લેવાદેવા નથી, પણ લીનતા અને ચિન્તવન એ જ એમનું સ્વાભાવિક કાર્ય છે