તમામ દુનિયાદારી અને સઘળા મનોવિકારો સુધ્ધાં એકદમ છોડી દઈને તેણે પોતાના સર્વસ્વાર્પણનું બલિ પ્રેમયજ્ઞમાં હોમ્યું હતું. અને તે હોમવા માટે નહિ પણ એવી રીતે જાતે હોમાયા વિના —તપ અને ચિન્તવન સિવાય–બીજી કોઈ હાલતમાં એ ઇશ્કના દીવાનાથી રહી શકાયું નહિ, માટે હોમ્યું હતું. ખરે, એ મહાત્માની આન્તરદશા તત્ત્વયોગીની હોઈ પ્રજ્ઞાચક્ષુનો તે સાચો ઉમેદવાર હતો, એ નિર્વિવાદ છે. ઈશ્વરી પ્રેમ પીધેલી તે જોગીની આંખો દુનિયાની સામાન્ય નજર જોઈ શકે છે તેવી લયલાંને જોતી ન હતી અને ન જુએ એ સ્નેહને સ્વાભાવિક છે. રાધા અથવા મીરાં જે દર્શન કૃષ્ણમાં કરી શકે, તુલસીદાસ જે દર્શન રામચંદ્રમાં કરી શકે, જે દર્શન હરકોઈ ભક્ત પોતાના ઇષ્ટ પ્રભુમાં કરી શકે, તે જ પરમાત્મદર્શનની ઝાંખી એ જોગીને થયેલી અને તે તેમાં જ લીનવિલીન રહ્યો. તેનું 'દર્દ' તે સામાન્ય નહિ પણ જીવાત્માનું દર્દ છે અને તેથી તે તપ સિવાય બીજી કોઈ દશામાં જીવી શકે નહિ, એ દેખીતું છે. બાહ્યમાં તો 'ચખ ડાલ માર ધનકો, કૌડી ન રખ કફનકો!' એવો તે ફકીર થયેલો જ, પણ એથી અતિ વિકટ તેણે એ કરેલું કે તેના અન્તરની તમામ ભૂમિકાનો કબજોગવટો તેને પોતાને નહિ પણ તેની ધ્યેયમૂર્તિનો હતો–અને હરકોઈ આશકને એ જ કરવાનું છે અને એવું સર્વસ્વાર્પણ થયા પછી આશકમાં શું રહે છે ? 'હું' નહિ પણ 'તું', અને આપણે વિચારી શકીએ કે એ 'તું' તે બીજો પુરુષ સર્વનામ નહિ, પણ પ્રત્યક્ષ પુરુષ નામ જાતે જ. પ્રેમ, પ્રેમ અને પ્રેમનો પ્રબળ પુકાર કરતો આશકનો આત્મા પ્રેમયોગના પ્રભાવે પ્રકૃતિથી પર કંઈક અનુભવતો આગળ માર્ગ કાપતો જ વધ્યો જાય છે અને નવા જીવનનો પોતાનો અસલ વતનનો મુકામ શોધી કાઢી ત્યાં કાયમનો ઠેરે છે. કુરાને શરીફમાં લખેલું છે કે:-
પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૫૦
Appearance