પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૫૭]

ડાઘ સ્પષ્ટ થયો છે. 'હું બ્રહ્મ છું' એ મંત્રને બદલે 'હું મેહબૂબ-સનમ છું' એ મંત્ર મારા હોઠ પર ચાલુ રહો; અને મનસૂરને બદલે મને શૂળી પર ચઢાવી દો.)

"અરે ! કાતિલ તીખું તે જિગરને રેંશનારું છેઃ
“પરન્તુ પહાડનું હૈયું ખુદાએ આ ઘડેલું છે.”
(કલાપી)

(હૃદયને 'ઝખ્મ' કરનાર શસ્ત્ર—ઈશ્કનો ઝખ્મ કરનારું તેનું નેત્ર એટલું તો તીખું છે કે હૃદયને પૂરેપૂરું ચીરી નાખે; પણ મારું હૃદય જ કઠોર ગોયા પહાડનું બનેલું છે.)

પોતાનું અંતરવલોકન–પ્રતિપક્ષીની દ્રષ્ટિ કરે એવું–આબાદ થવું જોઈએ અને તો જ આન્તર પ્રવાસમાં આગળ વધી શકાય, અને આત્મવંચિત થવાના–ઊલટે રસ્તે જઈને દુ:ખદ બનાવો શોચવાનો પ્રસંગ ન આવે. પ્રવાસના ક્રમમાં પ્રત્યેકની પાત્રતા અને પ્રત્યેકના અનુભવો સમાન નથી હોતા, એ પણ ખ્યાલમાં રહેવું જોઇએ. 'હું પૂર્ણ છું' એ શબ્દ પ્રેમસ્વરૂપ ઈસુખ્રિસ્ત, શ્રીકૃષ્ણ, જનક, શુકદેવ, મનસૂર વગેરે દિવ્યાત્માના સ્વાનુભવની પ્રેરિત વાણી છે, પણ એ જ શબ્દો હિરણ્યકશિપુ, રાવણ, નમરૂદ કે ફિરોનના મુખમાં આત્મવિઘાતક-ઈશ્વરદ્રોહી છે, એ સ્પષ્ટ છે. પોતાના હૃદયનું–હૃદયભાવોનું સૂક્ષ્મ પૃથક્કરણ કરવું એ બિલકુલ સહેલું નથી. 'સનમ તો હાજરાહજૂર છે, પણ આશકના ઇશ્કની કસૂર યા કમીનાને લીધે જ તે પરદેનશીન રહે છેઃ સજીવન–ચૈતન્યમૂતિ માત્ર સનમ જ છે—આશક તો ગોયા જાન વગરની ચીઝ મુરદું છે,' એ મૌલાના રૂમી સાહેબના કહેવા ઉપરાન્ત, આપણે મનન કરવા યોગ્ય એક સન્તના અનુભવોદ્ગાર છે કે –

'સાહેબકે દરબારમેં, કમી કાહુકી નાંહિ:
'બન્દા મૌજ ન પાવહી, ચૂક ચાકરી માંહિ.'