લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૬૧ ]


ચરણ ચૂમતાં કપાવ્યું શિર, સનમના પ્રેમની ખાતિર :
સમર્પણ એ અમે કહીએ : પરાભક્તિ અમે કહીએ.
પીધું જે જ્યોતિ પ્રીતિનું, નિરંજન નેતિ નેતિનું :
ખરેખર ! વેદના સોગન ! પ્રભુ એ-એ અમે કહીએ.
દીવાનું ઘેલું તુજ પ્રેમી : ત્વદર્પિત પ્રાણુતનમનધન :
ગુલામી કાયમી તારી, સનમનો રાહ એ કહીએ.

આમીન. પ્રેમદર્શન, પ્રેમયોગ, પ્રેમભક્તિ અને છેલ્લે પ્રેમ અને જ્ઞાનની સુંદર અભિન્નતાનો આત્માનુભવ એ સૂફી ઇશ્કના રાહનો ક્રમ છે.

અલબત્ત સૂફીઓ પ્રભુને પ્રિયા કહે છે અને મજનૂં જેવા કોઈ દીવાના પ્રિયાને પ્રભુ પણ કહે છે, પરંતુ એ પ્રિયાને પામવું એ બચ્ચાઓની રમત નથી–ગઝલની લીટીઓ ગોઠવીને ગાનતાનમાં મશગૂલ રહેવાથી એ પ્રિયાનો ભેટો નથી, એ તો અવશ્ય વિચારવું જોઈએ. મજનૂં પોતાની પ્રિયાને પ્રભુ કહે એટલા માટે હાડમાંસની હરેક પૂતળી પ્રભુ બનવાને અથવા પ્રભુ તરીકે પૂજાવાને પાત્ર હોતી નથી. કૃષ્ણને મીરાંબાઈએ પ્રભુ તરીકે પૂજ્યા અને પ્રેમલક્ષણા ભક્તિથી હજી પણ ઘણાં હ્રદયો પૂજે છે, પણ એના ખોટા અનુકરણથી વૈષ્ણવ સંપ્રદાયના મહારાજો પૂજાવા લાગ્યા અને વલ્લભી સમાજે તેનું ગતાનુગતિક અનુસરણ કર્યું, એથી કેવા અનર્થ થયા એ “મહારાજ–લાયબલ–કેસ” ના અભ્યાસીઓને સુવિદિત છે.

પ્રેમભક્તિ એ બેશક કોમળ, પવિત્ર અને મહિમાવન્તાં ભક્તહૃદયોની દિવ્ય શ્રદ્ધાનું પરિણામ છે અને વિરલ હૃદયમાં જ તે સ્વયંસ્ફુરણ પામે છે, એટલું જ નહિ પણ હરકોઈ લૌકિક નિયન્ત્રણથી તે હંમેશાં પર હોય છે; છતાં પ્રેમને નામે જ્યારે દેશની અધોગતિ થવા લાગે છે, ત્યારે કુદરતના નિયમ મુજબ 'કરસનદાસ' જેવાં સાચાં અને વીર હૃદયો એ દુર્દશાનું ભાન

ગ. ૧૧