પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૬૩]

ગુજરાતને સંભળાવ્યો છે. અલબત્ત, તેના હૃદય પર કીટસ, બાયરન અને બીજા અંગ્રેજી કવિઓની તથા દયારામ જેવાની અસર થયેલી છે, તેવી ફારસી કે ઉર્દૂ લેખકોની અસર થયેલી તેના ઉદ્ગારમાં જણાતી નથી. તેણે 'ગઝલ' નહિ ગાયેલી એવું નથી; 'ગઝલ' તેણે, બેશક, ગાયેલી, પણ તેના જેવા વીર હૃદયને 'પ્રેમશૌર્ય'ની ગર્જના પુકારવામાં ‘લાવણી”ની રચના વધારે અનુકૂળ પડેલી અને તેથી રૂઢ અથવા હાલ જે 'ગઝલ’ ગણાય છે તે માપ (મીટર)માં તેણે લખ્યું નથી.


"ચલો ! ચલો ! શું વાર લગાડો ! જલદી પીવા માંડો !”

વગેરે એના પ્રમત્ત ઉદ્ગારો જાહેર છે.

કવિ નર્મદના પ્રતિભાશાળી હૃદયે જ ગુજરાતને 'હૃદય' આપ્યું છે - જીવન આપ્યું છે, એમ કહેવામાં કશી અતિશયોક્તિ ગણાશે નહિ. નવી ભાવના, નવા વિચારો, નવી શૈલી અને નવા જુસ્સાની કવિતા તો આપણને નર્મદે જ આપી છે. જાણવા અને નોંધવા જેવું એ છે કે, 'લાગણી' એ શબ્દ જ અંગ્રેજી શબ્દ 'ફીલિંગ' ઉપરથી પહેલવહેલો ગુજરાતી ભાષાના શબ્દકોષમાં દાખલ કરનાર કવિ નર્મદાશંકર છે.

પરન્તુ, ગુજરાતી ભાષામાં ખરેખર ગઝલ લખનાર તો 'મસ્ત બાલ' છે. એ વિરલ વ્યક્તિએ આપણી એટલી તો કીમતી સેવા કરેલી છે કે તેની કદર કરવાની આપણા બંધુઓની અશક્તિ આપણે સ્વીકારવી જોઈએ. ફારસી શાયર હાફેઝ જે ઈરાનનો મહાન કવિ ગણાય છે, તેનું સાહિત્ય ગૂજરાત હજૂર રજૂ કરવાનો એમણે કરેલો પ્રયત્ન કેટલો ઉપકારક છે ? સૂફીવાદ વિષે પણ એ જ મહાન પુરુષે આપણને પહેલવહેલી માહિતી આપી છે. ઈસ્લામી રિયાસતના કેટલાક ઐતિહાસિક ગ્રન્થોનો તરજુમો પણ એમણે કરેલો; 'ભારતીભૂષણ,' 'બુદ્ધિપ્રકાશ' અને 'કૃષ્ણમહોદય’ વગેરે સામયિક પત્રોનું તન્ત્ર પણ કેટલોક કાળ ચલાવેલું.