પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૬૪]

આપણા નવીન કાવ્યસાહિત્યમાં ફારસી ઢબ મુજબની ઈશ્કની શાયરી ‘મસ્ત બાલ'થી શરૂ થાય છે.

'મસ્ત બાલ'નું જિગર નીડર, પ્રામાણિક, સ્વતંત્ર અને વિશુદ્ધ છે, એ તેમના ઉદ્દગારોમાં પ્રપાત પામનારને સ્પષ્ટ થશે. ‘હરિપ્રેમપંચદશી' અને 'કલાન્ત કવિ' એ તેમનાં પ્રેમકાવ્યો હરેક પ્રેમી હૃદયને મનયોગ્ય છે. સૂફીવાદની ઝલક તેમની ગઝલોમાં બહુ સ્પષ્ટ છે અને તે ઈશ્કનાં રાહદારીઓને થોડુંક હૃદય ખર્ચ્યે સુગમ થઈ શકશે. ખરેખર, એ હૃદય આપણું રાહબર થવાને પાત્ર છે. 'ક્લાન્ત કવિ' માં સૂફી આશકે કરેલી ભક્તિ છે–ભક્તિ યોગ છે.

તેમના સમકાલીન અને મિત્ર મર્હૂમ પ્રો. મણિલાલે પણ સૂફીવાદના ધોરણ પર થોડીક ગઝલો લખેલી છે. 'મસ્તી' અને ‘દર્દ' અને એમની ગઝલોમાં પ્રધાન છે અને ઇબારતની બાબતમાં પણ 'મસ્ત બાલ'ની છાપ પ્રબલ છે. એમનો કાવ્યસંગ્રહ સટીક છે અને પ્રોફેસરે જાતે એમાં તાત્ત્વિક રીતે વેદાન્તવિચારો સમજાવેલા છે. વેદાન્ત અને સૂફીવાદનો સબંધ કેટલો નિકટ છે, એ પ્રો. મણિલાલના હ્રદયોદ્ગાર સ્પષ્ટ કરે છે. (જુઓ માર્ગદર્શક ટીકા. ગૂ. ગ.)

મર્હૂમ ડૉકટર હરિ હર્ષદ ધ્રુવની હ્રદયરંજક ગઝલોમાં ઈશ્ક અને ઈશ્કની મસ્તી કરતાં શૃંગારરસનું દર્શન વધારે છે; દયારામનો શૃંગાર અને નર્મદનો જુસ્સો એમાં સ્પષ્ટ છે. બેશક, તેમાં દર્દ છે, છતાં આપણે જોઈ શકીએ કે એ દેશપ્રેમી અને રસથી ઊભરાતા હૈયાનાં કવનોને સૂફીવાદની ગઝલો સાથે કશો આન્તર સંબંધ નથી. “હય્‌રાને-હિંદ એ મથાળા નીચે તેમણે કેટલીક સ્વદેશપ્રેમની ઊછળતી ગઝલો લખેલી અને 'ચંદ્ર'માં છપાયેલી છે, પણ તે આ સંગ્રહમાં પ્રસિદ્ધ કરવાનું ઉચિત લાગ્યું નથી.