પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૬૫]


ઈશ્કના દફતરમાં કલાપીનું નામ તો મશહૂર અને ચિરસ્મરણીય છે. એ વિષે વધારે વિવેચનની અહીં અપેક્ષા છે કે ? એના કોમળ અને વિશુદ્ધ હૃદયની તલ્લીન લાગણીથી ગવાયેલા ઈશ્કે ગુજરાતના ગરીબ બગીચાને સુહાવ્યો છે અને તેના પડઘા તો સંભળાયાં જ કરશે. ખરેખર, કલાપી એક અલૌકિક પુરુષ છે. સત્તર-અઢાર વર્ષની વયે તેણે લખેલી પહેલી જ ગઝલ 'ફકીરી હાલ' તેના હૃદયની મહાન ભવ્યતાની પ્રતીતિ કરાવવાને બસ છે. ઈશ્ક સિવાય જેણે આખી જિંદગાનીમાં બીજું કશું જ પુકાર્યું નથી, ઈશ્ક સિવાય જેણે બીજું કશું જ કર્યું નથી અને ઈશ્કમાં જ જેણે જિન્દગાનીની કુલ કુરબાની કરી છે, તે અદ્ભુત જિન્દગીને આપણે શી રીતે ઇન્સાફ આપીશું ?

તેની ગઝલોમાં કલાનું પ્રાધાન્ય નથી, તે તો લાગણીનો શિરોમણિ આલેખક છે. લાગણી એ તેની ગઝલોમાં મુખ્ય તત્ત્વ છે અને ઈશ્કી આદમીની જિન્દગાનીનું પણ એ લક્ષણ ચોક્કસ કાલ સુધી હોય છે જ. કલાપીની ગઝલોમાં ખરું જોતાં કવિની કલા નહિ પણ લાગણીને વશવર્તિની – તેના દર્દની પ્રબલ પ્રેમોર્મિઓ છે. પ્રેમયોગમાં લીન થવું અને લીનતા દ્વારા અન્તે એમાં જ લય પામવું, એ કલાપીની ગઝલનો સાર છે - ઈશ્કનો પણ એ જ સાર છે: પ્રેમ, પ્રેમયોગ, ભક્તિ, લીનતા અને લય; નવું જીવન–શાન્તિ–મુક્તિ–નિસ્ત્રૈગુણ્ય.

કલાપીના પવિત્ર અને સુન્દર હ્રદયોપવનની નવી પ્રસાદી 'માલા અને મુદ્રિકા' આપણને હમણાં જ જડે છે. અલબત્ત, એમાં અમુક વજનનાં મુખમ્મસ યા કવ્વાલીની બેતો નથી; છતાં, ખુદ આત્માને ગાવાની આબાદ ગઝલ-ગઝલની 'માલા' અને સફલ પ્રેમની 'મુદ્રિકા' એમાં પાને પાને આશક જુએ છે, અને ફિદા થાય છે. સાધુબાન્ધવ પઢિયારે 'પ્રેમ; પ્રેમ ને પ્રેમ' પ્રકટ કર્યા પછી, આવી વિરલ પ્રસાદી આપણને હમણાં જ મળે