પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૬૯ ]

“ડૂબ્યાં ઘણાં, ડૂબે ઘણાં, ડૂબી જશે આ દુનિયા,
“તોપણ, અરેરે! રંક જીવો હુંપણું નહીં ત્યાગતાં.
* * *
"મૃત્યુભૂમિના લોકની પ્રીતિ નકામી લાગતી,
"હું શુષ્ક થઈ તેથી કહો, પણ શુષ્ક સૃષ્ટિ ભાસતી.
“મારા હૃદયનો પ્રેમ જે શૃંગારરસને રેલતો,
"વિરમ્યો હવે સ્વામી દયાળુ શ્રી હરિનાં ચરણશો.”
(સૌ. જ્ઞાનમણિ, ‘ગૂજરાતી ગઝલિસ્તાન” પૃ. ૨૨. )

* * * સૌ. જ્ઞાનમણિ, 'ગુજરાતી ગઝલિસ્તાન,' પૃ. ૨૨૦)

આમાં 'દર્દ' છે, 'હ્રદય' છે, પ્રેમ છે, પ્રેમશૌર્ય છે, પ્રજ્ઞાનભાનુનાં આછાં–ઉજમાળાં કિરણોનો આશા આપતો પ્રકાશ છે અને એ ગઝલ છે. આપણે જોઈ શકીએ કે ગુજરાતી ગઝલિસ્તાનમાં નમૂનેદાર 'ચીઝ' માં એની ગણના છે.

પ્રેમનાં યોગી હૃદયને ભક્તિ અને જ્ઞાનના પ્રવાસમાં કોઈ કોઈ વાર કંઈ અદ્ભુત પરમાનન્દ (એક્સટસી)ની આત્મોર્મિનો સ્વાનુભવ થાય છે, અને એવી મસ્ત દશામાં જે અનિર્વાચ્ય ઉલ્લાસ તેની રગે રગે વહે છે તેનું નિરૂપણ કરવું એ અશક્ય છે. એ હાલમાં કંઈક સ્પષ્ટ અને અપરોક્ષ અભેદાનુભવ જેવું તેને થાય છે. ‘અભેદાનુભવ જેવું' એમ કહેવાનું કારણ એ છે કે એ અનુભવ કાયમનો રહેતો નથી. અલબત્ત, એ કાયમનો નથી અથવા કેટલા કાળનો છે એની તેને પોતાને કશી ખબર તે વખતે નથી હોતી. એ અનુભવને વાણીમાં વ્યક્ત કરી શકાય એવું નથી અને કહેવા ચાહીએ તો, 'પ્રભુના કૃપાપ્રવાહનો આત્મામાં અનુભવ' અથવા 'આત્મામાં પરમાત્માના સાક્ષાત્કારનો અનુભવ' કે એવું કંઈક અધૂરું બોલીએ તો બોલી શકાય. જુદા જુદા સૂફી સંતમહાત્માઓએ પણ પ્રસંગોપાત્ત આ હાલમસ્ત દશાનો સ્વાનુભવ વિવિધ પ્રકારે નિરૂપિત કર્યો છે.