પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૭૫ ]

'જાગ્યો ત્યાં થઈ ચેતના, નિદ્રા, સાથે સર્વે પળ્યું;
‘ત્યમ તુરિયાવડે તિમિર ત્રાસે, ચિત્ત મચક્યું હૂં તૂં ટળ્યું.
'કહે અખો, સહુકો સુણો, જેમ દારિદ્રય નથી શ્રીમંતને;
'જો મહાધન હીંડો પામવા, તો સેવો હરિ, ગુરુ, સંતને.'
(અક્ષયગીતા, કડવું ૧૨ મું.)'

આપણે જોઈએ છીએ કે, મુક્તને ભક્તિ અને જ્ઞાનનું દ્વૈત નથી: અને એવા અદ્વૈતાનુભવમાં પ્રેમભક્તિ, પ્રેમયોગ એ સાધકની સ્થિતિ પરત્વે ક્રમિક મુકામો છે.

અલબત્ત, સિદ્ધાંતમાં સૂફીઓ એક જ બ્રહ્મને સર્વવ્યાપક માનતા હોવાથી, કેટલાક હિન્દુઓ, મુસલમાનો અને ખ્રિસ્તીઓ વગેરે માને છે, તેમ ઈશ્વરના અમુક વિશિષ્ટ અવતારને તેઓ ‘પ્રભુ' તરીકે સ્વીકારતા નથી. અખો પણ કહે છે કે:

'મોજ પામે તે ચોવીસ કહો ક્યમ ગણે ?
'માને મહારાજને એકમેકેઃ
'અવતાર પરઠે તો સર્વે જ સ્વામી તણા,
'સહજ સાગર તણી લોઢ લેહેરી:
'અન્ય સિદ્ધાંત જોતાં તે છે મન તણા,
‘પણ મનાતીતને ન શકે હેરી.'
(અપ્રસિદ્ધ “સિદ્ધાંતશિરોમણિ,' અખો.)

સત્ય સાથે પૂર્ણ લીનતાથી યોગ થયા પછી જ્ઞાનનો આશક પોતે તેમાં ખોવાઈ જાય છે અને પ્રેમ વિના એવું પોતાપણું ગુમાવવાનું કદાપિ બની શકે નહિ એ સ્પષ્ટ છે. મસ્તી એ પ્રેમ અને જ્ઞાનના અદ્વૈતનું પૂર્વસ્વરૂપ છે અને એ ભક્તિનો જ પ્રકારાન્તર છે એ સંશયરહિત છે.

'કલાપીનું પ્રેમરાજ્ય' પ્રકાશનાર દેવી પણ એવા મસ્ત હાલના અનુભવોદ્‌ગારનું અમૃત ગુજરાતના હૃદયને સિંચે છે. એ આપણે પ્રેમ અને ઉલ્લાસથી જોઈએ છીએ:-