સુકાશે તાહરું ગુલઝાર, પણ જો ગ્રીષ્મ આવે છે;
પ્રજળશે વિશ્વ વહિનથી રહે તુજ પાંખડી ના ના.
સુકોમળ પાંદડી ઉપર, ઊના અગ્નિ થકી તારાં;
અરે અફસોસ આંસુએ, અસર કાંઈ કરી ના ના.
અબોલા પ્રીતમે તારી, દશા કેવી કરી ભારી !
કરુણાથી રડી ગાતાં, નજર કાંઈ કરી ના ના.
પૂજારી થઈ ચઢ્યો દ્વારે, અરે તે દ્વારમાં તારી;
કતલ કરતાં ખરે ! પ્યારે, કસર કાંઈ કરી ના ના.
નથી અડકાતું ચૂંટાતું, ફરે ફેરા તું પછવાડે;
ગરીબીની ગુમાનીએ, ગરજ કાંઈ ધરી ના ના.
અરે એ પ્રીતમાં આખર, ન પ્રીતમ પ્રેમી પરખાશે;
જશે ગુલબંધ વન થાશે, ગુજર અંદર થશે ના ના.
રુવે તું રાનમાં જ્યારે, હસે ત્યારે ગુમાની ગુલ;
અરે! એને દિલે દૈવે, દયા પેદા કરી ના ના.
સુગંધી વાસમાં ઉદાર, મફત છે જન્મથી તેમાં;
ન બાકી બોલની રાખી, કૃપણતામાં જરા ના ના.
વિધિના ઊલટા અંકો, સુવર્ણે ક્યાં થકી સુરભી !
તને કોમળ અહો મન કેરી, કોમળતા કરી ના ના.
વળી જો એ સવારે સર્વ, અંગે અંગ ખિલવીને;
જઈ ઠરશે બીજે હાથે, વફાઈ કંઈ ધરી ના ના.
બળાપા બાલનાથી રાતભર રાકાપતિ દાઝયો;
સમુદ્ર જઈ પડ્યો શીતળ થવા, શાન્તિ રહી ના ના.