પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૩૧ ]


મણિલાલ દ્વિવેદી

૧૨ : માયાનો પ્રેમરૂપે બ્રહ્મભાવ


દિલશું દિલ લાગ્યા પછી ખેંચે શું તું ખિજાઈને ?
નયન ખેંચે કયાં હવે, મીઠી ખુમારી પાઈને ?

તારો દીવાનો તેં જ પાયો મુજને ઈશ્કેશરાબ,
માર કે જિવાડ ચાલે શું હવે લપટાઈને ?

ધિકક ! એ પ્રીતિ ન બોલે શું વિચારે ખ્વાબ તું ?
આંગળી હોઠે દઈ ઊભી રહી ગૂંચાઈને !

લટ અલક છટકી ગઈ ક્યાં વીજળી ઝંખાઈને ?
ક્યાં ગઈ ? હા ! કયાં ગઈ ? બ્રહ્માંડ બેઠી છાઈને !

તું જ બ્રહ્મા, તું જ વિષ્ણુ, દેવ તું, દાતાર તું;
હું તું ને શ્રીબ્રહ્મ તું રહી પ્રેમલીલા છાઈ એ !

નાસ્તિકોમાં મુખ્ય કે આસ્તિક કે ગાંડો કહો,
હું તું સર્વે એક કોઈ મર્મ એ સાહી લે !


૧૩ : અમર આશા


કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે.
ખફા ખંજર સનમનામાં રહમ ઊંડી લપાઈ છે.

જુદાઈ ઝિન્દગીભરની કરી રોરો બધી કાઢી.
રહી ગઈ વસ્લની આશા, અગર ગરદન કપાઈ છે.

ઘડી ના વસ્લની આવી, સનમ પણ છેતરી ચાલી.
હજારો રાત વાતમાં ગમાવી એ કમાઈ છે.