પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૩૩ ]


દુનિયા પ્રેમે નથી, પણ પ્રેમની દુનિયા હજાર,
એ વિરિંચિ, એ જ વિષ્ણુ, એ વિનાનું કોણ છે ?

એ જ મારું નામ, એની શોધમાં ગુલતાન તાન,
દુનિયા માનું ફના, એના વિના એ કોણ છે ?

એની મઝા અંતર મને, કે જાણે કોઈ પ્રેમી જન,
પામ્યો હું કે પામ્યો નહિ, એ પૂછનારું કોણ છે ?

એ જ આંસુમાં મણિ ! ભીની મીચી રે' આંખડી,
ખોલનારાં દૂર રો,' એ ઝાળ ઝીલે કોણ છે ?


૧૫ : નિરાશા એ જ છે આશા


અહા ! હું એકલો દુનિયા-બિયાબામાં સૂનો ભટકું,
રઝળતો ઈશ્કને રસ્તે, અહીં તહીં આંધળો અટકું.

બતાવી રાહ આ જેણે, ગયાં તે શું દગો દેઈ ?
રિબાવી, રોવરાવી, ને શું રમશો ખાકથી મારી ?

સ્મૃતિ આવી તમારી ત્યાં, ન અશ્રુધાર રે' ઝાલી,
હૃદય રમતું ઉછાળા લૈ–જુવાની શું ફરી આવી ?

સુણાવું લો કવિતા આ, ઝીલું રસ નેત્રથી ઝરતો,
હદય હૃદયે મિલાવો તો, જીવું ઊઠું પડયો મરતો.

અરે ! તે બાળપણના ક્યાં ગયા સાથી બધા સાચા ?
ગઈ ક્યાં પ્રાણપ્યારી તે ?–રહી મુજ ભાગ આ વાચા !

સુણાવું તે ય ક્યાં બેસી ? નથી કે ઠામ રોવાનું,
ભર્યું છે બેકદર દુનિયા વિષે જ્યાં ત્યાં વગોવાનું.

ભણાવી દો મને આજે, તમારી તે રીતિ જૂની,
ન જેથી દાગ દિલ લાગે, ન લાગે ઝિંદગી સૂની ?