પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૩૮ ]


ન જોડાતું તું જોડી દે, છૂટેલાને તું છોડી દે.
અહો ઉદાર વહાલી રે ! સતી તું શુદ્ધ શાણી રે !

અહા ઉદાર વહાલી રે ! દીઠું તે સ્વપ્ન માની રે.
ન ભુલાતું તું ભૂલી દે ! દીસે તેને નિભાવી લે !

અહો ઉદાર વહાલી રે ! ન નિવારાયું ભાવિ રે !
ન ભુલાતું તું ભૂલી જા ! વિધિનું પાયું તે પી જા !

અયિ ઉદાર ઓ વહાલી ! સખા ! વહાલા ખરા ભાઈ !
અમીની આંખ મીચોને, જનારાને જવા દ્યો ને.

ગણી સંબંધને ત્રૂટ્યો, ગણી સંબંધને જૂઠો,
કૃતઘ્નીને વિસારો ને, જનારાને જવા દ્યો ને.

હતી લક્ષ્મી, હતા તાત, હતી વહાલી; હતો ભ્રાત;
નહીં ત્યારે-નહીં કાંઈ ! ન લેવું સાથ કંઈ સાહી.

અહો તું ભાઈ વહાલા રે ! ભૂલી સંસ્કાર મારા રે !
બિચારો દેશ આ આર્ય ! કરે તે કાજ કંઈ કાર્ય !

અહો તું ભાઈ-ભાઈ રે તું–રૂપી છે કમાઈ રે
બિચારા દેશને, તેને ગુમાવે શોધી શેં મુને?

મૂકી દે શોધવો મુને, મૂકી દે શોચવો મુને,
પ્રિયાની આ દશા દેખું, નથી સંસારમાં રહેવું.

હવે પાછો નહિ આવું, મૂક્યું પાછું નહિ સાહું;
રહ્યું છે કે તજી દેવું–શું છે સંસારમાં લેવું?

અહો તું જીવ મારા રે ! દીશો શો દંશ દારાને ?
ગણી ના પ્રાણપ્યારી તેં, ઠગી તેં મુગ્ધ વહાલીને !