પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૪પ ]


પૂજારી એ અમારાં, ને અમો તો પૂજતા તેને,
અમારાં એ હતાં માશૂક, અમો તેના હતા દિલબર.

તમારા રાજ્યદ્વારોના ખૂની ભપકા નથી ગમતા;
મતલબની મુરવ્વત ત્યાં, ખુશામદના ખઝાના જ્યાં.

અમો તમને નથી અડતા, અમોને છેડશો કો ના,
લગાવી હૂલ હૈયે મેં નિચોવી પ્રેમ દીધો છે.

હવાઈ મહેલના વાસી અમે એકાન્ત દુઃખવાદી.
અમોને શોખ મરવાનો, અમારો રાહ છે ન્યારો.

ખુવારીમાં જ મસ્તી છે, તમે ના સ્વાદ ચાખ્યો એ;
અમોને તો જગત ખારું થઈ ચૂક્યું ! થઈ ચૂક્યું !


રર : ફરિયાદ શાની છે ?


અરેરે ! ઊડતું ખંજર દિલે ઝૂંટી હલાવ્યું. મેં,
ઊપડતો હાથ છે ત્યારે ? હવે ફરિયાદ શાની છે ?

વહે તો ખૂન છો વહેતું, નહિ તો છો ઠરી રહેતું !
સહેવો દાગ કાંઈ એ, અરે ! ફરિયાદ શાની છે ?

સનમના પેરની લાલી જિગરનું ખૂન મારું છે,
અરે ! એ રંગ મારો તો હજુ ફરિયાદ શાની છે ?

હતી આશા કંઈ ઊંડી, ભરી તેની રૂડી પ્યાલી;
સનમને આપતાં એવી, હવે ફરિયાદ શાની છે ?

કદી લાલી જશે ચાલી, કદી ફૂટી જશે પ્યાલી,
ભલે કો તે ભરી દેને, મને ફરિયાદ શાની છે ?

ભરાશે કોઈ ઢોળાયું, ભરાયું કોઈ ઢોળાતું,
અહીં તો રેત ઊડે છે, પછી ફરિયાદ શાની છે ?