પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૫૩ ]


એ પૂતળીના જાદુને કો જાણનારું જાણશે;
ખામી નઝર આવે નહીં, એ દેખનારો બાવરો.

'હા, હાય,હા હા ! હાય, હાહા !' એ પુકારૂં હું ભલે;
એમાં મને માની મજા તો એ મજા લે બાવરો.

કૈં પૂછનારો બાવરો, કૈં બોલનારો બાવરો,
આ 'હાય' પુકારી રહ્યો તે બાવરો, હું બાવરો.


ર૯ : આપની યાદી


જ્યાં જ્યાં નઝર મારી ઠરે, યાદી ભરે ત્યાં આપની;
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની.

માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની !

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની.

તારા ઉપર તારા તણાં, ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની.

આ ખૂનને ચરખે અને રાતે અમારી ગોદમાં,
આ દમ-બ-દમ બોલી રહી ઝીણી સિતારી આપની.

આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા
યાદી બનીને ઢાલ ખેંચાઈ રહી છે આપની.

દેખી બૂરાઈ ના ડરું હું, શી ફિકર છે પાપની ?
ધોવા બૂરાઈને બધે ગંગા વહે છે આપની.