પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૫૬ ]


આ કારખાનું ઈશ્કનું જો જો તપાસી ખૂબ ખૂબ
આ ખેલ ને આ ખેલનારો એક નૂરે ઈશ્ક છે.

એથી ડરૂં તો કયાં ઠરૂં  ? કોને ખુદા મારો કરૂં ?
જ્યાં લાઇલાજી સર્વની ત્યાં કોણ કોને હાથ દે ?

રે ! ઈશ્કનું છોડી કદમ માગું ખુદા, માગું સનમ;
શું છે ખુદા  ? શું છે સનમ ? એને બિમારી એ જ છે.

ક્યાં યે હશે જો કો ખુદા તો ઈશ્કનો બન્દો હશે;
જો ઈશ્કથી જુદો થશે તો ઈશ્કથી હારી જશે.

જો હો ખુદા તો હો ભલે, તેની અમોને શી તમા ?
છે ઈશ્કથી તો ના વડો જે ઈશ્ક મારૂં તાજ છે.

છે ખાક ચોળી છાપ મારી ઇશ્કની જેને દિલે,
દાખલ થતાં તેને બેહિશ્તે રોકનારું કોણ છે ?

જો કો અમોને વારશે, કોઈ અમોને પૂછશે,
તો ઈશ્કની ફૂંકે અમારી લાખ કિલ્લા તૂટશે.

છું સખ્ત ઝખમી મસ્ત દારૂ પી બન્યો બિમાર છું;
પણ ઈશ્કથી બીજો અમોને જીતનાર કોણ છે  ?

હા  ! નાસ્તિકો સૌ આવજો, ખંજર તમારું લાવજો,
આ ખૂન કાઢી તો જુઓ, કાતિલ એ પાણી થશે.

જે ઈશ્કનો બન્દો ઠર્યો તે છે ખુદાઈનો ખુદા
ઓહો  ! ખુદા શું  ? લોક શું  ? કે કોઈ શું તેને કરે ?

સૌ ઈશ્કના બેદાદ દિલના દર્દને ધિક્કારતાં
આંજી જુઓ પણ આંખમાં એ એક દી સુરમો તમે.

જે પાયમાલીમાં અમારાં છે ભરેલાં આંસુડાં,
તે એક ટીપું લાખ દુનિયા વેચતાં ના ના મળે.