પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૫૭ ]


કિમ્મત અમારી પૂછશો, તો એક દિલનું બિન્દુડું;
વેચાઈએ આનંદથી લેજો સુખે જેને ખપે.

છે તો હર્રાજી તોય મોંઘો ઈશ્કનો આ માલ છે;
જે ઝિન્દગી રોનાર હો તે આવજો લેવા ભલે.

ખૂન નીચોવી અહીં છે જાપ જપવો ઈશ્કનો;
ગરદન કપાવી શીર્ષની માળા બનાવો તો ભલે.

એ મંત્ર જપતાં જાગશે ભૂતાવળો લાખો અહીં;
એ દેખતા ડરશો નહીં તો ખેલશું આવો ભલે.

ગુલામ થઈ રહેશું સદા પણ બાદશાહી મહાલશું;
માલિકના દિલનું કરીને તખ્ત સૂનારા અમે.

હા  ! લાખરંગી ઈશ્કનું કો એકરંગી જામ છે;
મસ્તાનના મસ્તાન એવું જામ પીનારા અમે.

આવો, ભરી પીજો અને એ જીરવી લેજો નશો;
નહિ તો સદા માટે શરાબો સોંપજો પીનારને.

એ તો અમારી માદરે પાયું અમોને જન્મતાં,
ને મોતની મીઠી પથારીમાં ભર્યું યે એ જ છે;

એ ઈશ્કની લાલી મહીં લાખો ખુદા ઘેલા બન્યા;
એ લાખમાંના એક પણ જુદા જ કૈં ઘેલા અમે.


૩૨ : પ્રેમથી તું શું ડરે  ?


ચોગાનમાં આલમ તણા રે, પ્રેમથી તું શું ડરે  ?
તારા ચમનનાં પુષ્પના કાંટા થકી તું શું ડરે  ?