પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૬૬ ]


૩૮ : પ્રેમધર્માંગીકાર


બન્યો પ્રેમનો બંદો−બીજો રુચે નહીં ધંધો,
કામકાજ સૂઝે નહીં, મન પ્રેમે મશગૂલ;
તું મુજ સુંદર ગીતડું, હું તારૂં બુલબુલ.
મધુરા નાદથી આજે, અમળ મુજ પ્રેમને કાજે,
લવું તાનો મીઠાં રાજે, રસિક જન ખૂબ આનંદે. બન્યો૦

મુજ મુખવાદ્ય સમારીને, ઠાઠ મેળવી, યાર !
સૂર અલાપી તાહરૂં, ગાનભજન કરૂં સાર!
અહા! બીજું અહીં શું છે? સરવમાં શ્રેષ્ઠ તું તું છે!
સદા પ્રેમી દિલે ખૂંચે–વિયોગે, તું શું છે ચંદો? બન્યો૦

રસબસ પ્રેમે માહરૂં હૃદય થયું, દિલદાર !
ભલે જિવાડે કે હણે પ્રેમ એક આધાર.
બીજા જન ચાહ્ય તે બોલે–ગણે જીવ તૃણને તોલે;
કપટ વિના હૃદય ખોલે−મને ખળ દુષ્ટ છો નિંદો. બન્યો૦

મુજ મન ઘાયલ પ્રેમથી, નિંદા શું કરશે જ?
મરી રહેલું બાપડું, કહો! શું ફરી મરશે જ?
અમળ શુભ પ્રીત શું જાણે? ઊંચી રસરીત શું માણે?
ભલે મત દુષ્ટજન તાણે–વિવિધ જન દુષ્ટના ફંદો. બન્યો૦

આશંકા જગની તજી, મનડું બનિયું મસ્ત;
પ્રેમ વગર દેખે નહીં, જગ ખાલી જ સમસ્ત,
તુંને દિલદાર ! ધ્યાઉં હું, સુરૂપે લીન થાઉં છું;
બની અલમસ્ત ચાહું છું, નયન બે યાર સુખકંદો. બન્યો૦