પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૬૭ ]


ઘાયલ દિલ પ્રીતિરણે, તરસે જે તરશે જ;
ચિત્તમાં મરવું આદરે, મોતે શું ડરશે જ?
લીધી દિલ ઢાલ મેં રૂડી, જગત ચો વાત કહે ભૂંડી,
મને સરખી રૂડી કૂડી, ગણું જગના નહીં ફંદો. બન્યો૦

જો કે આ દિલ માહરૂં, હાય થયેલું ખાખ;
પ્રેમભજન ભૂલે નહીં, પ્રેમ ! પ્રેમ કહે રાખ.
ખરે! મુજ ખાખ કહેવાની, રૂડું તુજ નામ દેવાની;
હૃદયમાં આશ રહેવાની, થઈ રહું પ્રેમને બંદો. બન્યો૦

તુજ કારણ મુજ પ્રેમની, મૂર્તિ જો કે આજ,
હણવા તત્પર થાય કો, સેવક ના કહે ના જ;
મીઠી ! તુજ કારણે મરવું, હૃદયમાં દુખ ના ધરવું.
હઠી પાછું નહીં ફરવું, મને પ્રિય પ્રેમના છંદો. બન્યો૦

શૂળી સન્મુખ રાખીને, પૂછે મુજને કોય;
તું તું એક જ માહરે, મને વસેલી હોય;
લવું તુજ નામ હું ઘેલો, પ્રીતિ એ બોલ સૌ પહેલો;
ભણું છું તે જ સૌ છેલ્લે, બીજો ગણું શબ્દ છે ગંદો. બન્યો૦

હા! હા! સમ ખાઈ કહે, 'પ્રેમધર્મ મેં લીધ;'
તે વિણ માનું નહીં કશું, પણ મેં એવું કીધ;
પ્રભુ એ પ્રેમ માનું છું−ગમે તે જાતિ જાણું હું;
હૃદય રળિયાત થાઉં છું, ચરણ જગ પ્રેમને વંદો. બંન્યો૦