ત્યાં આસમાને આભલાં જુદાં જુદાં કંઈ ચકચકે;
સમજે ન કો તેથી નિસાસા સૌ ભરે, શામાં મજા ?
દરિયામહીં–ધરતીમહીં–ત્યાં આસમાન મહીં ઊંડે,
કહે તખ્ત ખુશાલી તણું–શું કામની પણ તે મજા ?
છે ત્યાં ગયાં ભૂત તો હજારો માણવા જ અખૂટ મજા ?
સાથે લઈ પાછા ફર્યા દીઠાં નહીં, તો ક્યાં મજા ?
વર્ષા બિચારી ગર્ભિણી સહેતી પ્રસૂતિ વેદના
પછડાય ચીસો પાડતી ને ગર્ભ જળરૂપે પડે;
થિજાય શિયાળામહીં, સિઝાય ઉનાળા મહીં;
દુનિયા બધી એમ જ પીડાતી દેખું છું; તો ક્યાં મજા?
ખૂબસૂરતી આલમ તણી હસતી ખીલે જે કારમી,
દેખું હું, પણ કરમાય ક્ષણમાં, માનું તો શેમાં મજા ?
સુણવા કહે, અવલોકવા કો, વાંચવા કોઈ કહે,
હું મ્હાવરો રાખું ઘણો, તેમાં ન આવે પણ મજા.
આલમ તણી મેં ચોપડીનાં ફેરવ્યાં પાનાં ઘણાં;
માલિકના ડહાપણ થકી સમજુ થયો, પણ ના મજા.
હું ગાન દુનિયાનું સુણું અવલોકું સારી ખલ્કને,
જાણી લઉં છું ભેદ સઘળો તોય તેમાં ના મજા.
જિગર વિના તનહા ફરું તેથી ન આવે રે મજા;
આ ઇશ્ક વિણ રોતું ન માને દલડું ક્યાંઈ મજા.
ઊડી ગયેલા નૂરથી ઝાંખો ફરૂં જનમંડળે,
ધારી ફકીરી હું પુકારૂં 'નૂર ! ઓ ! મુજ નૂર કયાં ?'