પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૮૭ ]


ઇશ્કે અનલહક યા પયગામે નૂરને જોનાર છું ;
તજી બેઇમાની ઈમાનથી માશુકને ઝૂકનાર છું,

ગુલઝારની સડકે પડેલા ખારને ખમનાર છું;
એ ગુલ ઉપર આફ્રેિન થઈ ભેટી સદા ચૂમનાર છું.

નાદાન ને હેવાનની મિજમાનીમાં મળનાર છું;
મિજલસ દિવાનાની શરાબીમાં હવે ભળનાર છું.

ઝાંખી થયેલા નૂરની હું પેરમાં પડનાર છું;
મસ્તાન આબેહૂબ હુશ્ને ! ત્યાં હું અંજાનાર છું.

સાકી તણા હાથે ભરેલી પ્યાલી હું પીનાર છું;
બદહઝમીના પરહેઝગારોને ઈજન કરનાર છું.

મિઠ્ઠી શરાબી પી બીમારીને સદા ગાનાર છું;
ગમગીનીની યારી કરી ઉદાસીને ચાહનાર છું.

આલમ થકી બાતલ થઈ હું દરખતે ચડનાર છું;
પાકી તલાશે એ પરિન્દાને હું પારખનાર છું.

યારી કરી ચૂમી લઈ એ સાથ હું ઊડનાર છું;
દે શુક્ર એ વાલી સનમ ! તકલીફ હું સહેનાર છું.

માની મઝા એ સાથ તાબેદારીમાં જીવનાર છું;
કાબિલ ! કરો સિતમ ! મગર ગરદન ન ઊંચકનાર છું.

આબેહયાતીના ઝરામાં હું હવે ડૂબનાર છું,
ઓ સનમ! તું કર રહમ! એ રહેમતે જીતનાર છું.

હાજત નથી બીજી હવે આશક હું ઈન્તિઝાર છું;
આબાદીબાદી જોઈ છેઃ બરબાદીને ચાહનાર છું.