પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગૃહલક્ષ્મી
89
 


“તેજલ, તને મારો વિચાર ગમશે?”

“ગમશે જ.”

“પણ તારી મંજૂરીની આમાં જરૂર જ નથી. દેવી અનુપમાનો ને મારો જ એકમત થવો જરૂરનો છે.”

“મારે તો આજ્ઞા જોઈએ છે.” અનોપ નીચે જોઈને બોલી.

"તો હું આમ કહું છું, કે આપણા રાણાની રાણી જેતલદેવીને તેજલે બહેન કહી છે. એના સગા ભાઈએ એને અડવી બનાવી છે. આપણે જે ઓઢી-પહેરીને બહાર નીકળી શકીએ તેમ નથી તે આભૂષણો જેતલદેવીને ગળે રોપીએ તો?”

“મારું તો સર્વસ્વ આ ઘરને અર્પણ છે. તો શણગાર શું !” અનોપે હર્ષગદ્‌ગદ બનીને કહ્યું.

“તો ભોજન માટે નોતરીએ, એટલે ગઈ કાલનો આખો મામલો સુધરી જાય. કોને ખબર છે, રાજાની મતિ આજે કેવી છે ને કાલે કેવી થશે? તેજલની સુરક્ષાનો પણ આ પ્રશ્ન છે.”

“એ પ્રશ્ન તો નથી," તેજપાલે કહ્યું, “પણ કાલે મેં એ રાણીને ગરીબડું મોં કરી ભાઈ ! વીર ! કહેતાં સાંભળેલ છે તેના હજુય મારે કાને ભણકારા વાગે છે, મોટાભાઈ !'"

"બસ, તો પછી આપણે એના ધર્મભાઈઓ બનીને એના સગા ભાઈનો અત્યાચાર નિવારીએ. અત્યારે વ્યવહારદક્ષતા દાખવવાનો અવસર છે. અનુપમાદેવી પોતાને હાથે જ પહેરાવે.”

બીજા ખંડમાં જઈને એણે તેજપાલને પૂરી સમજ પાડી. રાજનીતિજ્ઞતાનો પહેલો દાવ વસ્તુપાલે ઘેર આવતાં જ રમી જાણ્યો.

એ તો ઠીક, પણ વસ્તુપાલ ઘરમાં આવતાં ઘરની વાણીમાં પણ શિષ્ટતાની ફોરમ ઊઠી. સંસ્કૃતના એ ભક્તે અનોપને અનુપમાદેવી કહી સંબોધી, એથી અનોપને પોતાને જ પોતાની કાળાશ કંઈક ઓછી થઈ એવું લાગ્યું. એ જમવા બેઠો ત્યારે પણ રસોઈની બાબતમાં વિદ્યારસ બતાવી એણે અનોપને રાજી કરી.

પણ જેમ જેમ દિવસ જતો ગયો તેમ તેમ વસ્તુપાલ છૂપી એક ઉત્સુકતા અનુભવી રહ્યો. એ કોઈ ને કોઈ બહાનું કાઢીને ઘરના આ ઓરડામાં ને તે ખંડમાં ડોકાઈ આવ્યો. એણે વાડા પણ જોયા, બળતણની કોટડી પણ જોઈ.

રસોડાના જાળિયામાંથી મોટાભાઈનાં આ ખાંખાખોળાં જોતી જોતી વયજૂકા અનોપભાભી સાથે મંદ મંદ હસતી હતી ને પૂછતી હતીઃ “પણ મને કહોને ભાઈ, તમારે શું જોઈએ છે? શું શોધી રહ્યા છો?”