પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
92
ગુજરાતનો જય
 

કાવ્ય કોતરેલ છે ને તેનું મારે મૂંઝવણને સમયે ધ્યાન ધરવું એમ બાપુએ કહ્યું છે. કહ્યું છે કે રાજા ભોજ પણ આમ જ કરતા. પણ આ તે કંકણ પર કાવ્ય કોતરેલું છે કે કાળા મંકોડા, એ હું શું સમજું? મને વેશ પહેરાવી બેસાડ્યો છે, પણ ભજવતાં આવડતું નથી. તે માટે હું હસું છું. હસી હસીને રડવું આવે છે.”

"માટે જ કહું છું કે મંત્રીઓ વસાવો.”

"તેજપાલ બહાર બેઠે બેઠે આવાં તોફાન કરે છે તે મંત્રી બન્યા પછી શું નહીં કરે?"

"તેજપાલની તો મને ખબર નથી, પણ બેજવાબદારી જે તોફાન કરાવે છે, તે જવાબદારીનો ભાર માથે પડતાં શમી જાય છે.”

"તો બોલાવીને એને.”

તેજપાલે આવીને રાણાને વસ્તીના રોદણાનું પૂરું કારણ સમજાવ્યું. રાણાએ ઠાવકું મોં રાખીને કહ્યું: “રાણીને ને કુંવરને તમે બચાવ્યાં એમ રાણી કહે છે, પણ હું નથી માનતો, શેઠ. રાણી તો સોરઠિયાણી છેને, એટલે છેતરાઈ ગઈ. પણ તમે તો મને લાગે છે કે ચાલાકી જ કરી છે. ક્યાં છે જેતલ?"

"આ રહી.” ચંદ્રશાલામાંથી આવીને જેતલદેવીએ કહ્યું.

"આ તમારા ભાઈએ તમને ઠીક ભૂ પાયું ! હવે કહો એને કે ઘરેણાં ઘડાવી આપે.”

"રાણાજીના મોંમાં અમૃત,” તેજપાલે કહ્યું ને હાથ જોડી વિનંતી કરી કે, “એક વાર અમારે ઘેર જમવા પધારો.”

“લૂંટાવી કરીને પછી બેનને મિષ્ટાને રીઝવી લેવાં છે?”

“ના, ના," જેતલદેવીએ કહ્યું, “બેનનો લૂંટાયેલો માલ ભાઈની બહાદુરી પાછો અપાવશે. ફિકર રાખો મા.”

“સગા ભાઈને જે ન ઓળખી શક્યાં તેને હવે આ શ્રાવક ભાઈ સ્વાદ ચખાડશે... વીરપહલીનો!"

તેજપાલ આ બધા વિનોદ સામે ગંભીર અને વિનયશીલ જ રહ્યો. એને ખબર હતી કે રાજાઓ કોઈ કોઈ વાર મશ્કરીએ ચડે છે ત્યારે સામો માણસ ગફલતમાં પડી જાય છે.

વળતા દિવસે વસ્તુપાલ-તેજપાલને ઘેર ભોજન લઈને રાણી ને રાણી બેઠાં ત્યારે એમને આ વણિક-ઘરની સુશીલતા ને સંસ્કારિતાની પૂરી ઓળખાણ મળી. મુખવાસ લઈને ઊભાં થાય છે તે વખતે અનુપમાદેવી થાળમાં આભૂષણો લઈને હાજર થઈ. જેતલદેવીને પહેરાવવા એણે એક રત્નહાર ઉપાડ્યો.